જંબુસર,તા.ર૦
જંબુસર તાલુકાના માલપુર ગામે આવેલ સોલ્ટ વર્કસ (મીઠાના અગર)માં ‘બ્રોમીન’ નામનું કેમિકલ વગર પરવાનગીએ ઉત્પાદન કરવામાં આવતું હોય જે તાકીદે બંધ કરાવવાની માંગ સાથે ગ્રામજનોએ સોલ્ટ વર્કસ ગેટ પાસે ધરણાં કર્યા હતા તથા આ સોલ્ટ વર્કસ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં માંગેલ પરવાનગીની અરજી નામંજૂર કરાતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપનીનું વીજ કનેક્શન કાપી નાંખવાનો હુકમ કરવામાં આવતા આ વીજ કંપનીના જંબુસર રૂરલના અધિકારીએ વીજ જોડાણ કાપી નાંખ્યું હતું.
ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતીનુસાર જંબુસર તાલુકાના માલપુર ગામે ખાર ખરાબાની જમીન આવેલ છે. ઉપરોક્ત જમીનમાં સરકાર દ્વારા જુદાજુદા ઈસમોને મીઠા ઉદ્યોગ માટે ભાડા પટેથી જમીન ફાળવેલ હતી તે પૈકી ભડકોદ્રા તા.જંબુસરના ઈલ્યાસઅલી પટેલને ૧૦ વર્ષના ભાડાપટે ર૦૦ એકર જમીન મીઠા ઉદ્યોગ માટે ફાળવવામાં આવી હતી અને તે પટ્ટાની નિયત સમયમર્યાદા ર૦૦૬માં પૂર્ણ થયેલ છે. તે રીન્યુ પણ થયેલ નથી તેમ છતાંય આ મીઠા ઉદ્યોગમાં ‘બ્રોમીન’ નામના કેમિકલનું ઉત્પાદન વગર પરવાનગીએ કરવામાં આવતું હોય અને તેના પરિણામે આ કેમિકલના ઉત્પાદનથી ગ્રામજનોની તંદુરસ્તી જોખમાય તેવી સંભાવના રહેલી હોય તથા તેના વેસ્ટ પાણીથી તવરને નુકસાન પહોંચ્યું હોય તેમજ દરિયાઈ જીવોને પણ નુકસાન પહોંચ્યું હોય તા.૭/૧૧/૧૯ના રોજ ગ્રામજનોએ સંયુક્ત સહીથી આ ગેરકાયદેસરરીતે ઉત્પાદન કરાતાં ‘બ્રોમીન’ નામના કેમિકલના ઉત્પાદનની રોક લગાવવાની માંગ સાથે આ સોલ્ટ વર્કસ દ્વારા કરવામાં આવેલ શરત ભંગ બાબતે પગલા ભરવા જિલ્લા સમાહતાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દિન-૧૦માં પગલા ભરવા માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. આજરોજ માલપુર ગામના ગ્રામજનો સોલ્ટવર્કસ/કંપનીના મુખ્ય ગેટની બહાર માજી ધારાસભ્ય કિરણ મકવાણા, તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભુદાસ મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા અગ્રણીઓની ઉપસ્થિતમાં એકત્ર થયા હતા અને આ ‘બ્રોમીન’ નામના કેમિકલ ઉત્પાદન કરતાં એકમને બંધ કરવાની માંગ સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા.
‘બ્રોમીન’નું ઉત્પાદન તાકીદે બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ધરણા કર્યા

Recent Comments