(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
હાઈટેક ટેકનોલોજીના બણગા વચ્ચે આજે રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજાયેલી પરીક્ષામાં ઉન સ્થિત પરીક્ષા કેન્દ્ર ઉપર કોમ્યુટરનું સર્વર ડાઉન થતાં પરીક્ષાર્થીઓ વિફર્યા હતા. જેને કારણે પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવે ભરતી બોર્ડ, મુંબઈ દ્વારા સહાયક લોકો પાયલોટ તેમજ ટેકનીશિયનની પરીક્ષાનું આજે આયોજન હતું. સુરતમાં ઉન પ્લેનિટમ પ્લાઝા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. કોમ્યુટરરાઈઝ આ પરીક્ષાના સમયે જ ટેકનિકલ ખામી સર્જાતા સર્વર ઠપ્પ થઇ ગયા બાદ પરીક્ષાનું સમય પૂર્ણ બતાવતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા. રેલવે બોર્ડની આ આધુનિક ટેકનિકની ક્ષતિની ભૂલ પરીક્ષાર્થીઓને ભોગવવી પડી હતી. જેને કારણે પરીક્ષાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખી તોફાન શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પરીક્ષા સ્થળે પહોંચી જઇ હોબાળો મચાવતા પરીક્ષાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરી પરીક્ષાર્થીઓને વિખેરી નાખ્યા હતા. રેલવે ભરતી બોર્ડ તરફથી આ ક્ષતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોતી.