(એજન્સી) નવી દિલ્હી,તા.૩૧
ગુરૂવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નવા મંત્રીમંડળની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લઇ રહ્યા હતા. આ અવસર પર વિપક્ષ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ટિ્‌વટર પર તેમની બીજી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવી દીધી. કોંગ્રેસે શુભેચ્છા પાઠવતા આ ટ્‌વીટમાં એમ પણ લખ્યું કે તેઓ ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસમાં નવી સરકારની સાથે મળીને કામ કરવા તૈયાર છે.
નવી સરકારની સાથે શપથ ગ્રહણ દરમ્યાન કોંગ્રેસે ટ્‌વીટ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટના મંત્રીઓને શુભેચ્છા. અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને ભારત અને તેના નાગરિકોની પ્રગતિ અને વિકાસ માટે સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.
આપને જણાવી દઇએ કે વડાપ્રધાન મોદી અને તેમની સરકારના નવા મંત્રીઓના આ શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ થયા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ બાદ આ સતત બીજી વખત એવું થયું છે જ્યારે કોંગ્રેસ લોકસભામાં મુખ્ય વિપક્ષી દળ બનવા માટે જરૂરી ૫૫ સીટના આંકડા સુધી પણ પહોંચી શકી નથી.