(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં બેંકોમાં જનતાના નાણાં અસુરક્ષિત હોવાનો આરોપ મુકતા સોમવારે દાવો કર્યો હતો કે, આ સરકારમાં એનપીએ ૨૩૦ ટકા વધી ગયું છે તેથી હવે એનડીએનું નામ એનપીએ કરી દેવું જોઇએ. પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, બેંકોસંકટમાં છે, જનતાના નાણાં અસુરક્ષિત છે, ડિફોલ્ટરોએ લૂંટ કરી અને દેશ છોડી જતા રહ્યા છે. સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે, મોદી સરકારમાં બેંકોમાં ડૂબેલી લોન (બેડ લોન) ૩૧૭ ટકા વધી ગઇ છે. ૨૦૧૪-૧૫માં આ ૨૬,૧૧૨ કરોડ રૂપિયા હતી જ્યારે ૨૦૧૭-૧૮માં ૧,૦૯,૦૭૬ થઇ ગઈ છે. સૂરજેવાલાએ એમ પણ કહ્યું કે, તમામ બેંકોનું એનપીએ ૨૩૦ ટકા વધી ગયું છે. આ માર્ચ ૨૦૧૪માં ૨,૫૧,૦૫૪ કરોડ રૂપિયા હતું જે ડિસેમ્બર ૨૦૧૭માં ૮,૩૧,૧૪૧ કરોડ થઇ ગયું છે. તેમણે આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે એનડીએનું નામ હવે એનપીએ કરી દેવું જોઇએ.