(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કોંગ્રેસના નેતા જયરામ રમેશે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર રાજ્યસભાની વરણીની એફિડેવિટમાં દેણદારીની માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવાની પણ જાહેરાત કરી છે. રમેશે દાવો કર્યો છે કે, અમિત શાહના પુત્ર જય શાહની કંપનીએ તેમની જમીન પર બેંક પાસેથી લોન લીધી હતી અને તેમણે ચૂંટણી પંચમાં ખોટું સોગંદનામું આપ્યું હતું કે, તેમના પર કોઇ દેણદારી નથી. ભાજપના અધ્યક્ષના સોગંદનામાના બહાને તેમનો પુત્ર ઉદ્યોગપતિ તરીકે હોવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પત્રકાર પરિષદ કરી રાજ્યસભા ચૂંટણીમાં અમિત શાહે આપેલા સોગંદનામાને અધૂરો ગણાવતા કહ્યું હતું કે, તેમના પુત્રે બેંકો પાસેથી જે લોન લીધી છે જે તેમની જમીનના બદલે લીધી છે આ અંગે સોગંદનામામાં ખોટી જાણકારી આપવામાં આવી છે. જયરામ રમેશે કહ્યું કે, સોગંદનામામાં શાહે કોઇપણ પ્રકારનું દેવું નહીં હોવાનું જણાવ્યું છે જે ખોટું છે કારણ કે તેમની અમદાવાદની એક વ્યવસાયિક ઇમારત અને જમીનના બે પ્લોટ પર તેમના પુત્રે લોન લીધી છે. રમેશે કહ્યું છે કે, અમિત શાહના ખોટા સોગંદનામા વિશે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી તેમની સામે કાર્યવાહી કરવા માગ કરશે.