(એજન્સી) તા.રર
કોંગ્રેસે આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાંથી અપહરણ કર્યા બાદ ત્રણ પોલીસકર્મીઓની હત્યા મામલે પીએમ મોદીની સરકારને આડેહાથ લીધી હતી. કોંગ્રેસે કહ્યુંં કે ગત ર૪ કલાક દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓના અપહરણ બાદ હત્યા તથા આતંકવાદીઓના ભયથી ડરથી પોલીસકર્મીઓના રાજીનામાની ઘટનાઓ ચિંતાજનક છે અને રાજ્યની આ સ્થિતિ માટે મોદી સરકાર જ જવાબદાર છે. શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુંં કે જમ્મુ કાશ્મીર સળગી રહ્યું છે હવે ત્યાંનો મુદ્દો રાજકીય નથી રહ્યો રાષ્ટ્રીય બની ગયો છે પણ વડાપ્રધાન મોદી આ મુદ્દે મૌન છે. જમ્મુ કાશ્મીરની સ્થિતિ સતત બગડી રહી છે અને મોદી સરકાર સુધારા માટે કોઇ પગલાં નથી ભરતી. તેમણે કહ્યુંં કે મોદી સરકાર અહીં આતંકવાદને ડામવામાં નિષ્ફળ રહી છે અને તેનો સામનો કરી શકી રહી નથી. તેમણે કહ્યુંં કે રાજ્યને એક લેબ સમજી લેવાઇ છે અને ત્યાં અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યુંં કે આતંકવાદી હવે પોલીસમાં નોકરી કરનારા લોકોમાં ભય પેદા કરી રહ્યા છે. ગત ર૪ કલાકમાં ત્રણ પોલીસકર્મીના અપહરણ થયા અને અગાઉ પોલીસ સેવામાં કામ કરનારા રાજ્યના નાગરિકોના પરિજનોનું પણ અપહરણ થઈ ચૂક્યું છે. આતંકીઓએ ભયનું વાતાવરણ પેદા કર્યું છે અને દસ પોલીસકર્મીઓએે નોકરી છોડવાનો નિર્ણય કરી લીધો છે. અમને મોદી સરકાર ફક્ત જુમલા સંભળાવે છે. હવે પ૬ ઇંચની છાતી ક્યાં ગઇ. સિંઘવીએ કહ્યુંં કે જમ્મુ કાશ્મીરની સ્થિતિ ચાર વર્ષ દરમિયાન બદથી બદતર થઇ છે. વર્ષ ર૦૧૪ બાદથી સ્થિતિ બગડી છે. ૪૧૪ જવાન શહીદ થયા છે અને રપ૬ નાગરિકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ ૧૦૦ ગણી વધી છે. ભાજપ સરકારે પીડીપી સરકારને આપેલો ટેકો પણ પાછો લઇ લીધો જેના કારણે રાજ્યમાં સરકાર જ પડી ગઇ. વાસ્તવિકતા એ છે કે હવે જમ્મુ કાશ્મીરમાં સરકાર જ નથી.