(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૩
કોંગ્રેસ હાઇકમાન્ડ કેટલાક રાજ્યોમાં કોંગ્રેસના નેતૃત્વને બદલી નાંખવા માટેની તૈયારીઓ કરી રહી છે. ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, કેરળ અને અન્ય કેટલાક રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષને ટુંક સમયમાં જ બદલી નાંખવા માટેની ચર્ચા શરૂ કરવામાં આવી ચુકી છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં વર્તમાન પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની જગ્યાએ સવર્ણ સમુદાયથી આવનાર કોઇ નેતાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જે નેતાઓના નામને લઇને ચર્ચા ચાલી રહી છે તેમાં વારાણસીમાંથી પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા, જિતિન પ્રસાદ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા કમલાપતિ ત્રિપાઠીના પૌત્ર રાજેશપતિ ત્રિપાઠીનું નામ સૌથી આગળ છે. બિહાર કોંગ્રેસને પણ એક ફુલ ટાઇમ પ્રદેશ અધ્યક્ષ મળવાની શક્યતા છે. અશોક ચૌધરીને પાર્ટીમાંથી દુર કરવામાં આવ્યા બાદ તેમના જેડીયુમાં સામેલ થવાથી બિહારમાં કોંગ્રેસની હાલત કફોડી બનેલી છે. કૌકબ કાદરી હાલમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. નવા પ્રદેશ અધ્યક્ષ ક્યા સમુદાયના હોવા જોઇએ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો અપરકાસ્ટના વોટરોને ફરી ખેંચવાના હેતુથી આ સમુદાયના કોઇ નેતાને જવાબદારી સોંપવાની તરફેણ કરી રહ્યા છે. જયારે કેટલાક બિન યાદવ ઓબીસી નેતાની નિમણૂંક કરવાને લઇને દલીલો આપી રહ્યા છે. જેડીયુના વોટ બેંકમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે તાજેતરમાં જ પાર્ટીની તરફથી રાજ્યસભા માટે ભૂમિહર સમુદાયમાંથી આવનાર અખિલેશ સિંહને અને એલએસસી માટે પ્રેમચંદ મિશ્રાની નિમણૂક કરી હત. બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલ ઉપરાંત અન્યો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અખિલેશ સિંહના આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ સાથે પણ સારા સંબંધ છે. જેમની સાથે પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે મેદાનમાં ઉતરનાર છે. હરિયાણામાં મોટા ભાગના નેતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અશોક તંવર અને વિધાનસભા પક્ષના નેતા કિરણ ચૌધરીને એક વધુ દલિત-જાટના ગઠબંધનની સાથે બદલવાની તરફેણમાં છે. રાહુલ ગાંધી હાલમાં જોરદાર રીતે સક્રિય થયેલા છે. હરિયાણામાં પાર્ટીમાં કુમારી સેલજાને આગામી પ્રદેશ અધ્યક્ષ બનાવવાને લઇને ચર્ચા ચાલી રહી છે. ભૂપેન્દ્રસિંહ હુડા અથવા તો તેમના પસંદગીના વ્યક્તિને વિધાનસભા પક્ષના નેતા બનાવવાની ચર્ચા ચાલી રહી છે. અલબત્ત આ પ્રક્રિયા એઆઈસીસીની બેઠકના કારણે રોકાઈ ગઈ હતી જેને હવે ફરીથી શરૂ કરવામાં આવનાર છે. કેરળમાં સિનિયર નેતા એમ રામચંદ્રનની સાથે ઓમાન ચંડી ગ્રુપના નેતાને પણ જવાબદારી મળી શકે છે.