(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૪
ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે પણ કમરકસી લીધી છે. ત્યારે ચૂંટણીમાં બાયડ બેઠક પર ભાજપને માત આપવા એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને લઇને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. કેમકે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કરવાની વાત કરતા બાયડના કોગીં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મિડિયાને નિવેદન આપ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ગઠબંધન થયું છે. ત્યારે ગુજરાતમાં એનસીપી સાથે સમય આવશે ત્યારે યોગ્ય નિર્ણય કરીશું. બંને પક્ષે રાષ્ટ્રીય કક્ષાએ વાટાઘાટો ચાલુ છે. તો દરખાસ્ત આવશે તો યોગ્ય નિર્ણય લેવાશે.
હાલ રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પેટાચૂંટણીમાં બાયડ બેઠક ઉપર ઉતારવામાં આવી શકે છે. કેમ કે બાયડ બેઠક પર શંકરસિંહનો દબદબો રહ્યો છે. ત્યારે બાપુ દિકરા મહેન્દ્રસિંહના રાજકારણની ડૂબતી નાવડીને પાર પાડવા એનસીપીમાંથી બાયડ બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પૂરેપૂરી શકયતા છે. બાયડ બેઠક પર મહેન્દ્રસિંહના નામની ચર્ચા શરૂ થતા કોંગ્રેસમાં આતંરીક વિવાદ શરૂ થયો છે. બાયડ કોંગ્રેસના આગેવાનોએ એનસીપી સાથે કોંગ્રેસના ગઠબંધનનો વિરોધ કર્યો છે. બાયડના કોંગી આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઇને મોવડી મંડળની સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.