ધોળકા, તા.૧૬
ધોળકા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વારંવાર વીજ પુરવઠો લોકોને જાણ કર્યા વિના બંધ કરી દેવામાં આવતા વેપાર-ધંધા ઉપર માઠી અસર પડે છે. ધોળકા ટાઉનમાં વીજ ધાંધિયા વધી જતાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા સ્થિત ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ની કચેરી સામે ધરણા-દેખાવો સહિતના આંદોલનાત્મક કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે.
ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુનાફભાઈ રાધનપુરીના જણાવ્યા મુજબ યુજીવીસીએલ ધોળકા ટાઉન કચેરીનો વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં જાણ કર્યા વિના લાઈટો બંધ કરી દેવામાં આવે છે. એકાએક વીજ પુરવઠો બંધ કરાતા લોકોના વેપાર-ધંધા ઉપર માઠી અસર પડે છે. સરકારી કચેરીઓ, બેન્કો, શાળા-કોલેજોમાં કામ ઠપ્પ થઈ જાય છે. આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ધોળકા વીજ કચેરીનો વહીવટ કથળતાં લોકોની મુશ્કેલી વધી છે. પ્રજાને નિયમિત અને પુરતો વીજ પુરવઠો મળતો નથી. મેન્ટેનન્સ માટે મંગળવાર ફાળવવા છતાં ગમે તે દિવસે ગમે ત્યારે વીજ પુરવઠો બંધ કરી દેવો યોગ્ય નથી. લાઈટ બિલ ભરવા માટે આવતા વીજ ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. બિલનાં નાણાં સ્વીકારવાની યોગ્ય વ્યવસ્થા નથી. ગામમાં લાઈટ બિલ સ્વીકારવાનું એક નવું કેન્દ્ર ખોલવાની જરૂર છે. ધોળકાની પ્રજાની વીજ સમસ્યા પ્રત્યે નાયબ ઈજનેર ધ્યાન આપતા નથી. આથી આ બાબતને ગંભીરતાથી લઈ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં ધોળકા વીજ કચેરી સામે ધરણા, રેલી, પ્રદર્શન જેવા આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢશે એમ ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુનાફભાઈ રાધનપુરીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ગનીપુર તરફના સેકશનમાં સવારના ૯ વાગ્યાથી લાઈટો બંધ કરી દેવાતાં લોકો પરેશાન થઈ ગયા હતા.