(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી હોઈ રાજકીય પક્ષો બરોબરની તૈયારીઓમાં લાગી પડ્યા છે અને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા બાદ તેઓ ઓક્ટોબર માસમાં ફરી એકવાર મધ્ય ગુજરાતની મુલાકાત લેશે. તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ ઓક્ટોબર માસમાં ચૂંટણી પ્રચારના ભાગ તરીકે બે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. ૪૭૦૦ કિમી લાંબી આ ગૌરવ યાત્રાની થીમ હશે ‘હું વિકાસ છું, હું ગુજરાત છું.’
અમદાવાદમાં આજે રેલવે મંત્રી પિયુષ ગોયલે આ અંગે જણાવ્યું હતું કે આ સાડા છ કરોડ ગુજરાતીઓના વિકાસ અને અમસ્તિતાની યાત્રા છે. દરેક ગુજરાતીનું એમાં યોગદાન છે અને તેમના અભિવાદન માટે જ આ યાત્રા યોજાઈ રહી છે. બે યાત્રા તેના નિર્ધારિત રૂટ ઉપર ફર્યા બાદ તેનું સમાપન સમારોહ યોજાશે. આ ગૌરવ યાત્રાના સમાપન સમારોહની ખાસિયત એ હશે કે આ દિવસે ૭ લાખથી વધુ પેજ પ્રમુખોનું સંમેલન યોજાશે. આ પ્રમુખો ભાજપાની એક કર્મઠ તાકાત છે.’ ૧પ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં હાજર રહી સાત લાખ પેજ પ્રમુખોને સંબોધન કરશે. આ યાત્રાનો પ્રારંભ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા.૧લી ઓક્ટબરના રોજ કરશે, ૧૩૬૧ કિમીની આ યાત્રામાં ૭૬ વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તા.બીજી ઓક્ટોબરના રોજ યાત્રા કાઢશે, જે ર૩પપ કિમી લાંબી હશે અને તેમાં ૭૩ બેઠકો આવરી લેવામાં આવશે આમ આ બંને યાત્રા થકી કુલ ૧૪૯ વિધાનસભાની બેઠકો આવરી લેવામાં આવશે અને ૧૩૮ જાહેર સભાઓ યોજાશે.