(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૧૯
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ આજે ખાસ સામાન્ય સભા યોજાવાની હતી તે પૂર્વે જ વસંત પટેલે પાલિકા પ્રમુખ અને જિલ્લા કલેકટરને રાજીનામું આપી દેતા ભાજપાનું સેટીંગ તૂટી ગયું હતું. તો બીજી તરફ બળવો કરી ટીમ પાટણની રચના કરનારા ૬ સભ્યો આજે કોંગ્રેસમાં વાપસી કરી લેતા કોંગ્રેસ પુનઃ બહુમતીમાં આવી ગઈ છે. પાટણ નગરપાલિકાના ઈતિહાસમાં ચાલુ પાલિકામાં સભ્યો દ્વારા એક બીજા હોદ્દેદારો સામે અનેકવાર અવિશ્વાસની દરખાસ્તો રજુ કરી એક નવો ઈતિહાસ રચ્યો છે. તો બીજી તરફ જાણવા મળ્યા મુજબ હાલ ભાજપ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ રહ્યું છે. તો કોંગ્રેસ પાસે ર૮ સભ્યોની બહુમતી થવા પામી છે. એટલે કે શાસક પક્ષ ભાજપા લઘુમતીમાં મુકાયું છે. જયારે કોંગ્રેસ પાસે બહુમતી થવા પામી છે તે જોતા આગામી સા. સભામાં ભાજપ-કોંગ્રેસની સંખ્યા લઈને અતિ મહત્વની બનનાર છે. તો સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ હાલ ટીમ પાટણના ૬ સભ્યો કોંગ્રેસ છાવણીમાં પાછા ફર્યા છે. પરંતુ આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ તેઓને પુનઃ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ અપાશે.
તો બીજી તરફ આગામી દિવસોમાં મુલત્વી રહેતી અવિશ્વાસની દરખાસ્ત અંગેની સા.સભા અને ઉપપ્રમુખના રાજીનામા અંગેનો નિર્ણય આ બંને બાબતો શાસક પક્ષના પ્રમુખ માટે અતિમહત્વનો બની રહેશે. જુલાઈ માસના અંતમાં પાલિકાની ખાસ સા.સભા મળનારી છે અને તેમાં ઉપપ્રમુખના રાજીનામાની બાબત રજૂ થશે તેવું મનાય છે. તો બીજી તરફ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનારા ૧પ પૈકી ૮ સભ્યોની આજની સા. સભામાં રહેલી સુચક ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની છે. શું આગામી દિવસોમાં કોંગ્રેસ પુનઃસત્તા હાંસલ કરશે ? ઉપપ્રમુખ-વિવિધ શાખાના ચેરમેનો વિ. પણ કોંગ્રેસ ભાજપ પાસેથી છીનવી લેશે ? આવા અનેક સવાલો શહેરની જનતામાં ઉઠવા પામ્યા છે.