અમદાવાદ,તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો વધુ ઉત્સાહ અને જોશ સાથે એક પછી એક તેમના પ્રચાર કાર્યક્રમો અને વ્યૂહરચના આગળ ધપાવી રહ્યા છે. ભાજપના અમિત શાહ દ્વારા તાજેતરમાં લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ તા.૧૪મી નવેમ્બરથી રાજયભરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે અને તેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓની સાથે સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રણદીપ સૂરજેવાલા, સચીન પાયલટ અને જયોતિરાદિત્ય સિંધીયા પણ જોડાશે. આગામી દિવસોમાં કોંગ્રેસના આ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ તા.૧૪મી નવેમ્બરથી રાજયભરમાં કોંગ્રેસનું ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન હાથ ધરાશે. આ અભિયાનમાં પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનો જોડાશે. તો સતત એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલનારા આ લોકસંપર્ક અભિયાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ભાગ લેશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલા તા.૧૪મીથી બે દિવસ માટે સુરતમાં પ્રવાસ કરશે, સુરતમાં તેઓ જાહેરસભા, રેલી અને મીડિયાને સંબોધન કરશે. તા.૧૫મી અને ૧૬મી નવેમ્બર સચીન પાયલટ પણ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. જયારે જયોતિરાદિત્ય સિંધીયા તા.૧૬ અને ૧૭ નવેમ્બર દરમ્યાન ગુજરાતની મુલાકાત લઇ કોંગ્રેસનો પ્રચાર કરી લોકજુવાળ ઉભો કરશે. કોંગ્રેસ દ્વારા તેના ડોર ટુ ડોર પ્રચારના લોકસંપર્ક અભિયાનમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એક કરોડ ઘરોને આવરી લેવાનું આયોજન હાથ ધરાયું છે અને આ માટેનું માઇક્રોપ્લાનીંગ કરાયું છે.