વડોદરા,તા.૯
ખેડૂતોના જુદા જુદા પ્રશ્નોના મામલે કોંગ્રેસ દ્વારા હાલમાં રાજ્યમાં કરવામાં આવી રહેલા આંદોલનનો ઉગ્ર વિરોધ કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા માટે ખેતીની નિષ્ફળતાનું એકમાત્ર કારણ હોતું નથી. તેની પાછળ સામાજિક કારણ સહિત બીજા કેટલાક કારણો રહે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં સતત વધારો થાય તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. નીતિન પટેલનું કહેવું છે કે સરકાર ખેડૂતોના હિતમાં વિવિધ પગલાં પહેલા પણ લઈ ચુકી છે. કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં ખેડૂતો દ્વારા ગામડા બંધ આંદોલન હાલમાં ચાલી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતો દેવા માફી અને પેદાશો માટે યોગ્ય ભાવ ન મળતા હોવાની માંગણીને લઈને આંદોલન પર છે. અનેક જગ્યાઓએ ખેડૂતોએ શાકભાજી અને દુધ રસ્તા પર ફેંકીને પોતાનો વિરોધ કર્યો છે. ખેડૂતો એકબાજુ રસ્તા પર છે ત્યારે દાહોદ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ ચક્કાજામ યોજીને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારકર્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોનું આંદોલન જારી રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિ, મોંઘવારી અને અન્ય જુદી જુદી માંગણીઓને લઈને ખેડૂતોની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પણ આંદોલન કરી રહી છે. પ્રથમ દિવસે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે, આંદોલનનો હેતુ ખેડૂતોના દેવા માફીના મુદ્દે દબાણ લાવવા માટેનું છે. સાથે સાથે પાક માટે પુરતા નાણા ખેડૂતોને મળે તેનો પણ હેતુ રહેલો છે. આ ઉપરાંત પાક વિમાન યોજનાની ચુકવણી સમયસર અને યોગ્ય રીતે થાય તેવી પણ અમારી માંગ રહેલી છે. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતા ધરણાં પ્રદર્શન માટે મેદાનમાં ઉતર્યા છે. ખેડૂતોને પણ આંદોલનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ધાનાણીના કહેવા મુજબ તેમના આંદોલનમાં ખેડૂતો અને બિનસરકારી સંગઠનોને જોડવામાં આવ્યા છે. સરકાર ઉપર તીવ્ર દબાણ લાવવામાં આવનાર છે. આંદોલનના ભાગરૂપે ૧૦મી જૂનના દિવસે રસ્તા રોકો આંદોલન યોજવામાં આવશે. જેલભરો આંદોલનની સાથે સાથે ગામોથી લઇને ગાંધીનગર સુધી માર્ગો ઉપર પ્રદર્શન કરવામાં આવનાર છે.
શાકભાજી-દૂધ રસ્તાઓ પર ફેંકવા ન જોઈએ : શંકરસિંહ
ગુજરાતના જુદા જુદા ભાગોમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન જારી છે. ખેડૂતોના આંદોલનના મુદ્દે આજે વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વાઘેલાએ કહ્યું હતું કે ખેડૂતોની સમસ્યાને અલગ અલગ રીતે ઉકેલી શકાશે નહીં. દેશના ખેડૂતો આપઘાત કરે છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. ધાર્મિક સંસ્થાઓના લોકોએ પણ આ મામલામાં આગળ આવીને નવી પહેલ કરવી જોઈએ. બીજી બાજુ વાઘેલાએ જાહેર રસ્તા ઉપર શાકભાજી અને દુધ ફેંકવાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખેડૂતોએ પણ જાહેર રસ્તાઓ પર દુધ અને શાકભાજી ફેંકવા જોઈએ નહીં. પ્રતિક આંદોલન કરવું જોઈએ. જરૂરિયાતવાળા લોકો સુધી જરૂરી ચીજો પહોંચે તે ખૂબ જરૂરી છે.
Recent Comments