બાલાસિનોર, તા. ૭
બાલાસિનોર તાલુકા મથક બાલાસિનોરથી નજીક આવેલા જમિયતપુરા મે.મોર્યા એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લિ.થી ડમ્પીંગ સાઈડ રદ કરવાની માગણી સાથે બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, તાલુકા શહેરના કોંગ્રેસી કાર્યકરો અને આસપાસના શ્રમજીવીઓની સહી સાથેનું આવેદનપત્ર મામલતદાર વી.વી. વાળાને આપવામાં આવ્યું. જેમાં પ્રદેશમંત્રી સમીરભાઈ શેખ, શહેર તથા તાલુકા પ્રમુખ નવાબખાન અને પી.એન. ચૌહાણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર આ ડમ્પીંગ સાઈડ રદ કરવાના જુદા-જુદા ૧૦ (દસ) કારણો જણાવેલ છે. જેમાં (૧) ૩૦ પંચાયતો, ૧ર૯ નાના-મોટા ગામો અને બાલાસિનોર શહેરને અસર થાય છે તો કેટલી પંચાયતોની સંમતિ મેળવી છે (ર) કેવા પ્રકારનો વેસ્ટેજ કચરો તેમાં નાખવાનો છે અને તેમાં ઝેરી કેમિકલ છે કે કેમ ? અને દરરોજ કેટલા કન્ટેનર કચરો નાંખવાનો છે તેનો ખુલાસો કરશો (૩) આ ડમ્પીંગ સાઈડ માટે પંચાયતની મંજૂરી મેળવી છે ? (૪) ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે પડકાર ઝીલવાની કોઈ વ્યવસ્થા છે કે કેમ ? (પ) આસપાસના ડાયનોસર પાર્ક, ભાથીજી મંદિર, શીવલીંગ મહાદેવ, ઝરમર નદી, કેદારેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, હનુમાનજી જેવા મંદિરોનું અસ્તિત્વ રહેશે ? (૬) બાલાસિનોર નગરનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિમાં જવાબદારી કોની ? (૭) કેમિકલવાળું પાણી જમીનમાં ઉતરતા કૂવા, નદી, તળાવના, પાણી, માનવ, પ્રાણીઓ, પક્ષીઓને હાનિકારક છે કે કેમ ? (૮) આ વિસ્તારમાં આંગણવાડી, શાળા-કોલેજો, છાત્રાલયોના બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે કેમ ? (૯) નજીકમાં આવેલ વણાકબોરી, નર્મદા નહેરમાં કેમિકલ ભળશે કે કેમ ? (૧૦) ડમ્પીંગ સાઈડથી માનવ વસ્તી વિવિધ પ્રકારના રોગોનો ભોગ બનશે કે કેમ ?
ઉપરોક્ત મુદ્દા અંગે સરકારને જાહેરમાં ખુલાસો કરવા વિનંતી કરાઈ છે. આ ડમ્પીંગ સાઈડ આ વિસ્તારમાં ઊભી ન થાય અને ડમ્પીંગ સાઈડને સંપૂર્ણપણે રદ કરવાની માગણી કરી છે.