ડીસા, તા.૮
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગાયોના નિભાવ માટે સરકાર સમક્ષ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સહાયની માગણી કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ જ ઠોસ જાહેરાત ન કરાતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા છેડવામાં આવેલા આ આંદોલનના પગલે રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડીસાની રાજપુર પાંજરાપોળની મુલાકાત લઈ સરકારને ૨૪ કલાકમાં સહાય ચૂકવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ આ અલ્ટીમેટમ બાદ પણ સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા ગત રોજ સવારથી જ ઓ.બી.સી. એસ.સી.એસ.ટી.એકતા મંચ દ્વારા ગૌપૂજા કરી નાના વાછરડાને ફુલહાર પહેરાવી ગોળ ખવડાવી ધરણાં શરૂ કરાયા હતા. ઓ.બી.સી. એસ.સી.એસ.ટી. એકતા મંચના આ આંદોલનમાં કોંગ્રેસ અગ્રણીઓ પણ જોડાયા હતાં. ધરણાં પર ઉતરી ગયેલા ઓ.બી.સી. એસ.સી.એસ.ટી. એકતા મંચની ટીમે ગાયોના નિભાવ માટે સહાય આપવા ઉપરાંત ૧૪૪ની કલમ દૂર કરવાની માંગ કરી હતી. આ આંદોલનમાં સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસ પણ જોડાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને ઓ.બી.સી.એસ.સી.એસ.ટી.એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગાયોના નિભાવ માટે સહાયની માંગણી સાથે છેડાયેલા આ આંદોલન વચ્ચે સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ કમશીભાઈ દેસાઈ નામનો ગૌસેવક એનિમલ એમ્બ્યુલન્સમાં એક બીમાર ગાયને લઈ નાયબ કલેકટર કચેરીમાં ઘુસી ગયો હતો. આ ઘટનાથી ચોંકી ઉઠેલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડીસા તાલુકા પોલિસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.ટી.પંચોળીએ તાત્કાલિક આ એમ્બ્યુલન્સ વાનને કચેરી બહાર નીકાળી સારવાર માટે ખસેડાઇ હતી. આ ઘટનાના પગલે એસડીએમ કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.ગૌસેવકો બીમાર ગાયોને લઈ ફરી એસડીએમ કચેરીમાં ધસી આવતા પોલીસના કાફલાએ એમ્બ્યુલન્સને કચેરીમાં જતા અટકાવી દીધી હતી જેના પગલે ગરમાગરમી સર્જાઈ જતા એસડીએમ કચેરી આગળ અજંપાભરી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને એસડીએમે કોઈ સહાય કરવાનો ધરાર ઇનકાર કરી દેતા ગૌ સેવકો રોષે ભરાયા હતા. આ આંદોલનના પગલે સર્જાયેલા ઘમાસાણ વચ્ચે આજે સાંજે વહીવટી તંત્ર એ ૧૪૪ ની કલમના અમલનું જાહેરનામું પાછું ખેંચી લીધું હોવાના અહેવાલો મળ્યા છે. બીજી બાજુ, ઓબીસી, એસસી, એસટી એકતા મંચ તેમજ કોંગ્રેસના અગ્રણીઓએ પણ આજે સાંજે તેમનું ધરણાં આંદોલન સમેટી લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.