(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા. ૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વની સ્ક્રીનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના સાંસદ બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ પદે ચાર સભ્યોની સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે. જેમાં અધ્યક્ષ થોરાટના નેજા હેઠળ અન્ય ત્રણ સભ્યો અજય લલ્લુ (સાંસદ અને સીએલપી લીડર-ઉત્તરપ્રદેશ), ગીરીશ છોડનકર (એઆઇસીસીના સેક્રેટરી) અને પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સ્ક્રીનીંગ કમિટીની રચના થતાં જ હવે ગુજરાત કોંગ્રેસમાં ગુજરાત વિધાનસભાની બેઠકો પરથી કયા ઉમેદવારને ઉભા રાખવા અને કોને ટિકિટ આપવી તેની પસંદગીની કવાયત તેજ બનશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રચાયેલી સ્ક્રીનીંગ કમીટીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા રચાયેલી આ મહત્વની સ્ક્રીનીંગ કમિટી ગુજરાત કોંગ્રેસની ઇલેકશન કમિટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી પર ભાર મૂકાશે તેનું સ્ક્રીનીંગ, ચકાસણી-ખરાઇ અને આખરી ઓપ આપવાનું કામ કરશે. જે ઘણી મહત્વની અને નિર્ણાયક કામગીરી ગણાય છે. આ માટે સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન સહિતના સભ્યો ગુજરાતની મુલાકાત પણ લે તેવી પૂરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે ૧૨૫ પ્લસ બેઠકો હાંસલ કરવાના લક્ષ્યાંકને પામવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી માટે અગાઉથી જ રાજયના ચાર ઝોનમાં લોકો વચ્ચે જઇ તેમની સમસ્યા, તકલીફ અને પ્રશ્નો જાણી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, સાથે સાથે રાજયના તમામ મતક્ષેત્રોમાં કયા ઉમેદવાર માટે પ્રજાનો કેવો મૂડ અને પ્રતિભાવ છે તે જાણવા ખાસ સર્વે કરાયો છે અને તેમાં મીડિયાથી માંડી સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિક આગેવાન અને પ્રજાજનોની મદદ પણ લેવામાં આવી છે કે, જેથી કોંગ્રેસને સાચા અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં સરળતા રહે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભરી અને ઇજ્જતના સવાલ સમી હોઇ કોંગ્રેસ કોઇપણ મુદ્દે કચાશ રાખવા માંગતી નથી કે, કોઇ બાંધછોડ કરવા માંગતી નથી. એટલે જ ઉમેદવારોની પસંદગી અને ટિકિટના મુદ્દે પણ કાચુ ના કપાય તેનું કોંગ્રેસ ખાસ ધ્યાન રાખી રહી છે.