પાટણ,તા.૧પ
પાટણ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ પાસે સભ્યોનું પૂરતું સંખ્યાબળ ન હોઈ પ્રમુખ અને સભ્ય વચ્ચે થયેલ શાબ્દિક તડાફડીને મુદ્દો બનાવી નાટકીય રીતે સભા મુલત્વી રાખી હતી. ત્યાર બાદ કોંગ્રેસે બહુમતીના જોરે સામાન્ય સભા બોલાવી શિક્ષણ સમિતિના સભ્યોની વરણી કરી હતી. આજની આ સભામાં કોંગ્રેસના બે બળવાખોર સભ્યો તથા એક ભાજપના સભ્યએ કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસનું સભ્ય સંખ્યા બળ ૧૬ થયું છે. જયારે સત્તાધારી ભાજપ પાસે બે સભ્યો ગેરહાજર રહેતા ૧૩ સભ્યો જ હતા. જેથી સતા હાથમાંથી સરકતી જોઈ ષડયંત્રના ભાગરૂપે પ્રમુખ દ્વારા સભા મુલત્વી રાખવામાં આવી હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયત ખાતે દોડી આવેલ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્યો ડો. કિરીટ પટેલ અને ચંદનસિંહ ઠાકોરે કર્યો હતો.
પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલમાં આજે શિક્ષણ સમિતિની રચના, તા.૧૮-૭-ર૦૧૮ના રોજ મળેલ બેઠકમાં સમિતિઓની રચનાઓ ગેરકાયદેસર રીતે થયેલ હોઈ તમામ સમિતિઓ રદ કરી ફરીથી સમિતિઓની રચના કરવા સહિતના મુદ્દાઓને લઈ સામાન્ય સભા મળી હતી. પરંતુ સભાનું કામકાજ શરૂ થતાની સાથે જ ભાજપના સભ્ય લવીંગજી ઠાકોરે પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ સાથે તું…તારી…કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હંગામો મચી ગયો હતો જેને લઈ પ્રમુખે સભા મુલત્વી રાખી શનિવારે પુનઃ સભા બોલાવવાની જાહેરાત કરતા કોંગ્રેસના સભ્યોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સભા મુલત્વીની જાહેરાત સાથે જ સત્તાધારી પક્ષના સભ્યો હોલ છોડી જતા રહ્યા હતા. જયારે કોંગ્રેસના સભ્યો એ પુનઃ સભા બોલાવવાની માગ સાથે જગ્યા ઉપર બેસી રહ્યા હતા.
સત્તા હાથમાંથી સરકી રહી હોવાના કારણે સત્તાધારી પક્ષ દ્વારા હંગામાનું નાટક કરી સભા મુલત્વી રાખી હોવાની જાણ કોંગ્રેસ પક્ષના મોવડીઓને કરવામાં આવતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ કાનજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો જિલ્લા પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને સભ્ય સચિવ વ જિલ્લા વિકાસ અધિકારીને મળી ગુજરાત પંચાયત અધિનિયમ વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે મોકુફ રખાયેલી સભા ૧૯પ૭ના નિયમ (૧ર) મુજબ ચાલુ રાખવા માગણી કરી લેખિત રજૂઆત કરી હતી છતાં હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા બપોરે ૩-૩૦ કલાકે સભાગૃહમાં હાજર કોંગ્રેસના ૧૬ સભ્યોએ બહુમતીના જોરે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જોઈતીબેન લક્ષ્મણજી ઠાકોરને કાર્યકારી અધ્યક્ષ બનાવી તેમના અધ્યક્ષ સ્થાને સભાની કામગીરી શરૂ કરી હતી. જેમાં બાબુભાઈ ખોડાભાઈ દેસાઈએ શિક્ષણ સમિતિના સાત સભ્યોના નામની દરખાસ્ત રજૂ કરતા તેમને રફીકભાઈ મોમીને ટેકો આપતા હાજર ૧૬ સભ્યોએ સર્વાનુમતે હાથ ઉંચા કરી બહાલી આપી ઠરાવ વિકાસ કમિશનરને મોકલી આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિ.પં.ની કુલ ૩ર બેઠકો પૈકી એક સભ્યનું અવસાન થતા હાલ ૩૧ સભ્યો છે. જેમાં આજની સભામાં કોંગ્રેસના બે બળવાખોર સભ્યો અને એક ભાજપના સભ્યએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા ગૃહમાં કોંગ્રેસ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ હતું. જયારે સત્તાધારી ભાજપના ૧પ સભ્યો પૈકી બે સભ્યો ગેરહાજર રહેતા ૧૩ સભ્યો જ હાજર હતા. ત્યારે શનિવારે ફરી મળનાર સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ વિવિધ સમિતિઓ બચાવવામાં સફળ રહે છે કે પછી રાજકીય દાવપેચ રમી કોંગ્રેસને મહાન કરે છે. તેને લઈ જિલ્લાનું રાજકારણ શિયાળાના પ્રારંભે જ ગરમાયું છે.

સામાન્ય સભા મુલત્વી રાખવા ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ

કોંગ્રેસ શાસિત પાટણ જિલ્લા પંચાયતમાં બળવો કરાવી સત્તા મેળવનાર સત્તાધારી ભાજપના ત્રણ સભ્યોએ આજે કોંગ્રેસને બહુમતી હોવાનું દેખાતા આજની સામાન્યસભા મુલત્વી રાખવા ષડયંત્ર રચવામાં આવ્યાનો આક્ષેપ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્યો ડો. કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે કરી પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ પાસે પુરતુ સંખ્યાબળ નહીં હોવાથી જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં અગાઉથી થયેલ કાવતરા મુજબ ભાજપના એક સદસ્ય અને અધ્યક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી કરી સભા મુલત્વી રાખી લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. સરકારી કચેરીના વડાઓ પદને ના શોભે તેવું કામ સરકારના ઈશારે કરી રહ્યા છે. કાયદાનો છડેચોક ભંગ થાય છે. આ રીતે જ લોકશાહીને ગળે ટુંપો દઈ બહુમતી સભ્યોના અવાજને દબાવવામાં આવશે તો કોંગ્રેસ આગામી દિવસોમાં સરકારી કચેરીઓની બહાર ભાજપની કચેરી છે, તેવા બોર્ડ લગાડશે. જયારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને આજની સભાના અધ્યક્ષ વિનુભાઈ પ્રજાપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, સામાન્ય સભા શરૂ થતાની સાથે જ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન લવીંગજી ઠાકોરે મારા ઉપર હુમલો કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા મારે આજની સામાન્ય સભા મુલત્વી રાખવાની ફરજ પડી અને હવે પછી આગામી શનિવારના રોજ પુનઃ સભા બોલાવવામાં આવી છે.