(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૦
રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ૬ વત્તા ૮ મળી કુલ ૧૪ ધારાસભ્યોને કોંગ્રેસે છ વર્ષ માટે બરતરફ કરી તેઓ બીજા કોઈપણ પક્ષમાંથી ચૂંટણી ન લડે તે માટે કોંગ્રેસે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. આમ કોંગ્રેસપક્ષ સાથે ગદ્દારી કરનારા આ ૧૪ ધારાસભ્યોની હાલત ન ઘરના કે ન ઘાટના જેવી થઈ જશે એમ મનાય છે. એટલે કે તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ જશે એમ કહી શકાય.
ભાજપના કહેવાતા ચાણકયએ પદની લાલચ આપી સૌ પ્રથમ ત્રણ ધારાસભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામા અપાવ્યા એમાંથી એક બળવંતસિંહ રાજપૂતને તો સીધા જ રાજયસભાના ઉમેદવાર બનાવી દીધા જયારે તેજશ્રીબેન પટેલ અને પી.આઈ. પટેલને વિધાનસભાની ટિકિટની લાલચ આપી હતી. ત્યાર બાદ બીજા ત્રણ ધારાસભ્યો રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ અને છનાભાઈ ચૌધરીને કોંગ્રેસમાંથી રાજીનામા અપાવી કોંગ્રેસના અન્ય ધારાસભ્યોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે, શંકરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા સહિત બીજા આઠ ધારાસભ્યોને ભાજપ તરફથી રાજીનામા આપવાની કોઈ સૂચના અપાઈ ન હતી. એટલે કે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા વિના ક્રોસ વોટિંગ કરવાની સૂચના અપાઈ હતી. આમ કરવા પાછળનો ભાજપનો હેતુ એ હોઈ શકે કે આ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપી ટિકિટ આપવી ન પડે. જો તેઓ પહેલાં જ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હોત તો તેમને ટિકિટ આપવા જતા પક્ષમાં અસંતોષ કે બળવાના એંધાણ વર્તાતા હતા. ભાજપને પણ ખબર હતી કે બાકીના ૮ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે તો કોંગ્રેસ તેમને છ વર્ષમાંથી સસ્પેન્ડ કરી દેશે. આથી ભાજપ માટે પણ તેમના દરવાજા બંધ થઈ જશે. પરંતુ કોંગ્રેસે ૮ નહીં પરંતુ રાજીનામું આપનાર છ મળી તમામ ૧૪ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી તેમની સામે પક્ષાંતરધારા મુજબ ગેરલાયક ઠેરવવા કાર્યવાહી કરવા ચૂંટણીપંચમાં પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરતા ૧૪ ધારાસભ્યોના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે. કારણ કે સુપ્રીમકોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે. પરિણામે આ ૧૪ ધારાસભ્યોની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ જશે.
આમ ભાજપના દબાણ, લોભ લાલચ અને પદ મેળવવાની લ્હાયમાં કોંગ્રેસ સાથે દગો કરવા જતા આ ધારાસભ્યોની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. સૌથી કફોડી હાલત શંકરસિંહ વાઘેલાની થઈ છે. તેઓ તેમના પુત્રની કારકિર્દી બનાવવા જતા કારકિર્દી બને એ પહેલા જ આટોપાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જયારે બળવંતસિંહ પણ હવે કયાંયના નહીં રહે તેવી પરિસ્થિતિ ઉભી થતા આ ધારાસભ્યોને હવે ૬ વર્ષ સુધી સ્વખર્ચે સમાજ સેવા (કરવી હશે તો) કરવાનો વારો આવશે એમ અત્યારની પરિસ્થિતિ પરથી જણાય છે.