(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
કેન્દ્રમાં ભાજપે સત્તા સંભળ્યાને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્રમાં ચાર વર્ષના સફળ શાસનની ઉપલબ્ધિઓ વર્ણવી ઠેરઠેર ઉજવણી કરાઈ રહી છે તો કોંગ્રેસે પણ ભાજપના ચાર વર્ષના શાસનની નિષ્ફળતા અને પ્રજા સાથે કરેલા દગાને લઈને આજના દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવી દેશભરની સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર કાળીપટ્ટી બાંધી કે કાળા ફુગ્ગા હવામાં ઉડાવી વિરોધ કર્યો હતો. ભાજપ તુને કયા કિયા વિશ્વાસઘાત જેવા સૂત્રો સાથે રાજયમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે શપથગ્રહણ કર્યા તેને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષમાં અચ્છે દિનના વાયદાઓ કર્યા હતા પરંતુ અચ્છે દિન તો દૂર ઉલ્ટાનું પ્રજાના બુરે દિન આવી ગયા છે. નોટબંધી, જીએસટી, પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, સીએનજી, પીએનજીમાં ભાવ વધારો, માઝામુકતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને જીવવું મુશ્કેલ બન્યું છે. ભાજપે અચ્છે દિનના આપેલા સપના કોના માટે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. અચ્છે દિન આવ્યા જરૂર છે પરંતુ ભાજપના મળતિયાઓ અને ઉદ્યોગપતિઓ માટે બીજા માટે નહીં આ સરકાર કૌભાંડ, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટીની સરકાર છે. રોજગારી આપવાના વાયદા કર્યા હતા પરંતુ રોજગારી આપવાને બદલે બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે આથી ભાજપ સરકાર વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા કોંગ્રેસે આજના દિવસની વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવણી કરી કાળીપટ્ટી બાંધી ઠેર ઠેર વિરોધ કર્યો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, અરવલ્લી સહિતના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કાળાવાવટા લઈ માથે અને હાથે કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તો કયાંક કાળા ફુગ્ગા હવામાં ઉડાડી ભાજપાના ચાર વર્ષના શાસનની નિષ્ફળતાનો વિશ્વાસઘાત દિવસ તરીકે વિરોધ કર્યો હતો.

મોદી સરકાર ચાર વર્ષના શાસનમાં નિષ્ફળ : એકપણ વાયદા પૂર્ણ કર્યા નથી

અમદાવાદ,તા.ર૬
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારનો ચાર વર્ષ પૂર્ણ થયા તે ચાર વર્ષની નિષ્ફળતાને લઈ અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે વિશ્વાસઘાત દિવસ અને કાળા દિવસ તરીકે હાથમાં કાળીપટ્ટી બાંધી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત પ્રદેશના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારે શાસન ધુરા સંભાળ્યાને ચાર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ દુઃખની વાત એ છે કે આ ચાર વર્ષમાં મોટી સરકારે પ્રજાને ખાસ કરીને મહિલાઓ, યુવાનો, ખેડૂતો, આદિવાસીઓ સહિત સમાજના અન્ય વર્ગોને આપેલા એક પણ વાયદા પૂર્ણ કર્યા નથી. મોદી રાજમાં મોંઘવારી બેફામ બની છે તેને નિયંત્રિત કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ચાર વર્ષમાં માત્ર વાતોના વડા જ કર્યા છે કામ કરવાની તસ્દી લેવાઈ નથી. કોંગ્રેસ જયારે વિરોધ કરે છે તો તેને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. સરકાર ખોટા ખર્ચા કરી લોકોના નાણાં વેઠફી રહી છે આથી કોંગ્રેસ આગામી સમયમાં ઘેર ઘેર જઈ મોદી સરકારની નિષ્ફળતાની પોલ ખોલશે. અમને આશા છે પ્રજા ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે.