(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ ટ્રિપલ તલાકને રદ કરતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારે છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કહ્યું કે સુપ્રીમકોર્ટે ૩ વિરૂદ્ધ ર મતથી ટ્રિપલ તલાક અંગે આપેલા ચુકાદો એક પ્રગતિશીલ નિર્ણય છે. જે હકારાત્મક વિચારધારાવાળા તમામ લોકોએ જરૂર આવકારવો જોઈએ. આ નિર્ણય તમામ ભેદભાવોને નાબૂદ કરે છે. મુસ્લિમ મહેમાનોના હકને જે અસર થતી હતી તે હવે નાબૂદ થઈ છે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણના ઈતિહાસમાં ડોકિયું કરતાં જોવા મળે છે કે બંધારણના ઘડવૈયાઓએ અસમાનતા અછૂતનો ભેદભાવ નાબૂદ કર્યો હતો. જે બંધારણની કલમ-૧૭ હેઠળ રક્ષિત છે. તે સમયે હિન્દુઓમાં અછૂતની પ્રથા એક અયોગ્ય હતી. પરંતુ બંધારણના ઘડવૈયાઓએ તેને ઘણી જ હકારાત્મક રીતે લીધી. તે જ રીતે ન્યાયતંત્રએ મુસ્લિમ મહિલાઓના હકની વાતને ધ્યાનમાં લીધી છે જે અસ્પૃશ્યતા જેવી અસર હેઠળ હતી. સુપ્રીમકોર્ટે મંગળવારે એક ઐતિહાસિક ચુકાદામાં મુસ્લિમોમાં ટ્રિપલ તલાકને રદ કરી અમાન્ય ઘોષિત કરી હતી. સુપ્રીમકોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે ૩ વિરૂદ્ધ ર મતે ટ્રિપલ તલાકને રદ કરી હતી અને કહ્યું હતું કે તે કુર્આનના મૂળભૂળ સિદ્ધાંતોને અનુરૂપ નથી. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેહર અને ન્યાયમૂર્તિ નઝીરે સંસદ કાનૂન ન બનાવે ત્યાં સુધી છ માસ માટે તલાકની પ્રથા પર પ્રતિબંધની તરફેણ કરી હતી જ્યારે ન્યાયમૂર્તિ નરીમાન, ન્યાયમૂર્તિ જોસેફ અને ન્યાયમૂર્તિ લલિતે તલાકને બંધારણના ઉલ્લંઘન સમાન બતાવ્યું હતું. પાંચ સભ્યોની ખંડપીઠમાં પાંચ ન્યાયમૂર્તિઓ વિવિધ શ્રદ્ધા સાથે જોડાયેલા હતા.