અમદાવાદ, તા.ર૯
હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છૂપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયાના ગણતરીના સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાબરીયાની ધરપકડને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ મોરબીમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે ધરણા યોજ્યા હતા. પરષોત્તમ સાબરિયાની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ મેદાન પર ઉતરી આવી છે. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, મોહમ્મદ જાવેદ પીરઝાદા, બ્રીજેશ મેરજા, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એ ડિવીઝન પોલીસ સ્ટેશન સામે પ્રતિક ધરણા પર બેઠા છે. સિંચાઈ કૌભાંડમાં લાંચ લેતા ઝડપાયેલા ધ્રાંગધ્રાના ધારાસભ્યે પરષોત્તમ સાબરિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ સમગ્ર ઘટનાને રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. અને તે માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આજે કોર્ટેમાંથી ફરી કસ્ટડીમાં લઈ જવામાં આવતા હતા. ત્યારે તેઓએ જણાવ્યું કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર છે. હળવદ-ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા તથા તેમના મળતિયા વકીલની પૈસા માગવાના કેસમાં મોરબી એલસીબીએ ધરપકડ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મોરબી જિલ્લાની સાથે હળવદ, વાંકાનેર,ટંકારા, માળિયા સહિતનાં ગામોમાં નાની સિંચાઈ યોજના હેઠળ રૂ. ૨૦.૩૧ કરોડનાં ચેકડેમ અને રીસ્ટોરેશન સહિતનાં ૩૩૪ કામ મંજૂર થયાં હતાં. તેમાં હળવદ તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારના પ્રશ્નો વિધાનસભામાં ન પૂછવા તથા તેની રજૂઆત ન કરવા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મળતિયા વકીલ ભરત દેવજીભાઈ ગણેશિયા મારફત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ.૪૦ લાખ માગ્યા હોવાનો આક્ષેપો કરાયો છે. અંતે રૂ.૩૫ લાખમાં ડિલ નક્કી રૂ.૧૦ લાખ લીધા હોવાનો પણ આક્ષેપો કરાયો છે.