(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૯
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી કરતા પણ શ્રેષ્ઠ દેખાવ કરવા કોંગ્રેસે કમરકસી છે. રાજકોટના કોળી આગેવાન કુંવરજી બાવળિયા ભાજપમાં જતા રહેતા તેમની ખોટ પૂરી કરવા કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કદાવર કોળી આગેવાન કનુભાઈ કલસરિયાને પક્ષમાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એટલે કે, કુંવરજીની ખોટ કનુભાઈથી પૂર્ણ કરવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કે, કનુભાઈ કલસરિયા રાહુલ ગાંધીને મળ્યા બાદ જ પોતાનો નિર્ણય જાહેર કરશે તેવી શકયતા છે.
ભાવનગર જિલ્લાના મજબૂત અને કદાવર નેતા ડો.કનુભાઈ કલસરિયાનો કોંગ્રેસ કોઈપણ ભોગે પક્ષમાં સમાવેશ કરવા માગે છે અને આ માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. નારાજ અને અસંતુષ્ઠ નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરવાની રીતસરની જાણે હોડ લાગી છે. ભાજપે ગુજરાતના કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાની મોટી વિકેટ ખેરવીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો તો હવે કોંગ્રેસે કોળી સમાજના જ મોટા આગેવાન પર નજર ઠેરવી છે. કોંગ્રેસ ભાવનગરના જિલ્લાના કદાવર નેતા ડો. કનુભાઈ કલસરિયાનો કોઈપણ ભોગે પક્ષમાં સમાવેશ કરવા માંગે છે. ખેડૂતોના નેતા ગણાતા કનુભાઈને મનાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે જેના પગલે કનુભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે કનુભાઈ તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા સાંપડી રહ્યો છે. ડો.કનુભાઈ કલસરિયા બીજેપીના પૂર્વ ધારાસભ્ય છે. તેમણે નારાજગીના કારણે ભાજપનો ત્યાગ કર્યો હતો. ર૦૧૪માં કોંગ્રેસમાં જોડાવાના હતા પણ તેમણે આમ આદમી પાર્ટી પસંદ કરી હતી. જો કે હવે ર૦૧૯ની ચૂંટણી માટે કોંગ્રેસે ફરી તેમનો સંપર્ક કર્યો છે. ડો. કનુભાઈ કલસરિયા ભાજપ તરફથી મહુવાના ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. પરંતુ પોતાના મતવિસ્તાર મહુવામાં નિરમા સિમેન્ટ પલાન્ટ સામે પક્ષ અને સરકારની સામે પડી જોરદાર જનઆંદોલન ચલાવતા છેવટે એ પ્લાન્ટની મંજૂરી રદ થઈ ગઈ હતી. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પક્ષ સામે લડવાથી પક્ષ સાથે મતભેદો વધતા તેમણે ભાજપ છોડી સદભાવના મંચની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ ર૦૧૪માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ર૦૧૭માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી. હાલમાં કલસરિયા પર્યાવરણના મુદ્દાઓ માટે જાગૃતિનું કામ કરી રહ્યા છે.