(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૦
અમરેલી નગરપાલિકા દ્વારા ગત વર્ષ જુલાઈ ૨૦૧૮માં ટ્રેકટર ટ્રોલીની ખરીદી કરવામાં આવેલ હતી, જે ખરીદીમાં કૌભાંડ આચર્યું હોવાના કોંગ્રેસના સદસ્યોએ આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચેલ છે. નગરપાલિકા દ્વારા ટ્રેકટર ટ્રોલીની ખરીદી કરવા અંગે જાતેજ ત્રણ પેઢીઓ પાસેથી ભાવો મંગાવેલ હતા. જેમાં અગાઉ જે કંપનીને ટ્રેકટરનો કોન્ટ્રાકટ આપેલ હતો તેને જ ફરી કોન્ટ્રાકટ આપતા અગાઉના ભાવથી વધુ ભાવ આપી ભ્રષ્ટાચાર કરી નાણાંનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કોંગેસના વોર્ડ નંબર-૧૦ સદસ્ય સંદીપ ધાનાણીએ કર્યો હતો. કોંગ્રેસના સદસ્યએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે ૫ લાખથી વધુની ખરીદી હોઈ તો ઈ-ટેન્ડરિંગ કરવું ફરજિયાત હોઈ તેમ છતાં નગરપાલિકા દ્વારા અમરેલીની ભોજલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ટ્રેકટર દીઠ ૨,૩૬,૦૫૦ લેખે ૫ ટ્રેકટરની ખરીદી કરી નિયમ વિરૂદ્ધ ખરીદી કરી પોતાના લાગતા વળગતાને કોન્ટ્રાકટ આપી કૌભાંડ આચરેલ હોઈ અને નાણાંનો દુરૂપયોગ કરેલ હોઈ જેથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગરને આ ખરીદીમાં ખોટા દસ્તાવેજો તથા ખોટા ભાવો નક્કી કરી ખરીદી કરવા અંગે જે-જે લોકો સામેલ હોઈ તેમની સામે ઉચાપતની ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.