(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ તુતીકોરીન પર સરકારની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે. સિંધવીએ કહ્યું કે, તૂતીકોરીન ઘટના દેશ પર ડાઘ સમાન છે. પ્રદૂષણનો વિરોધ કરનાર લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કંપનીના મેળાપીપણા અને પોલીસની બર્બરતાનું ઉદાહરણ છે. મોદી સરકારે આ અંગે લોકોની માફી માગવી જોઈએ. વડાપ્રધાન મોદીને કોંગ્રેસે નીચે મુજબ ૧૧ સવાલો પૂછ્યા હતા.
૧. વડાપ્રધાન મોદીએ તુતીકોરીન મામલે કેમ મૌન ધારણ કર્યું છે ?
ર. પ્રધાનમંત્રી ટ્‌વીટર પર આગળ રહે છે, ફિટનેસ પર જવાબ આપે છે પરંતુ ખેડૂતો અને મહિલા સુરક્ષા પર ચૂપ રહે છે. એ જ રીતે આ મુદ્દે પણ મૌન છે. સિંધવીએ મોદી સરકારની ટ્રેડમિલ સાથે સરખામણી કરતા કહ્યું કે, આ સરકાર ભાગે છે પણ ક્યાંય પહોંચતી નથી.
૩. નિયમો કેમ બદલવામાં આવ્યા. વર્ષ ર૦૧૩માં યુપીએની સરકારમાં કાયદો બદલવામાં આવ્યો હતો કે જનતા સરકાર સાથે વાતચીત કરવા પરવાનગી ધરાવે છે પરંતુ ર૦૧૪માં એનડીએ સરકારે કાયદો બદલી નાખ્યો અને એમાંથી લોકો સાથે વાતચીતને હટાવી દેવાઈ. પરંતુ આ નિયમ કેમ બદલવામાં આવ્યો એ જણાવ્યું નથી.
૪. તુતીકોરીનમાં ૧૧ લોકોનાં મોત થયા આમ છતાં કોઈપણ વ્યક્તિને બરતરફ કરવામાં આવ્યો નથી. માત્ર બદલીઓ કરવામાં આવી તો કોઈપણ વ્યક્તિને કેમ હાંકી કાઢવામાં આવ્યો નહીં ?
પ. તુતીકોરીન ગોળીકાંડમાં ન્યાયિક તપાસની ઘોષણા તો કરવામાં આવી પરંતુ તેની સમય મર્યાદા કેમ જણાવવામાં આવી નથી ?
૬. મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટને તામિલનાડુમાં ખસેડવાની કોણે પરવાનગી આપી.
૭. પ્રોજેક્ટ મન્નારની ખાડીથી રપ કિલોમીટરના અંતરે હોવું જોઈએ એનું ઉલ્લંઘન કેવી રીતે થયું.
૮. મુખ્યમંત્રી પલાનિસ્વામીએ હજુ સુધી ઘટનાસ્થળની મુલાકાત કેમ લીધી નથી ?
૯. વડાપ્રધાને મુખ્યમંત્રીને પદ પરથી હટાવવા જોઈએ કે નહીં ? શું વડાપ્રધાનને એવું લાગે છે કે મુખ્યમંત્રી પોતાના પદ પર યથાવત રહેવા યોગ્ય છે.
૧૦.તુતીકોરીન ક્ષેત્ર આતંકવાદથી પ્રભાવિત નથી તો ત્યાં ગોળીબાર કરતા પહેલાં કોઈ વિકલ્પનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો નહીં ? ફાયરિંગનો આદેશ કોણે અને કેમ આપ્યો ?
૧૧. રરમેના રોજ ઉગ્ર આંદોલનની પૂર્વ ધમકી હતી. આંદોલન ૧૦૦ દહાડાથી ચાલી રહ્યું હતું. તો ઘટનાના દિવસે પ્રશાસને પૂર્વ તૈયારી કેમ કરી નહીં. આ ઘટના કેમ બનવા દીધી ? આ ૧૧ સવાલો બાદ સિંધવીએ કહ્યું કે, આ પ્રશ્નોના તથ્યો આધારિત ચોક્કસ જવાબ માંગશે.