(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.રપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જતાં રાજકીયપક્ષો હવે ઉમેદવારોની વહેલીતકે પસંદગી કરી પોતાના પત્તા ખોલશે. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં પ્રવેશથી રાજકીય અને સામાજિક સમીકરણો બદલાતા માત્ર કોંગ્રેસે જ નહીં ભાજપે પણ પોતાના ઉમેદવારો બદલવા નવેસરથી વિચારણા કરવી પડશે. ખાસ કરીને કોંગ્રેસે ઠાકોર, કોળી, સહિત ઓબીસી વર્ગનું પ્રભુત્વ ધરાવતી અનેક બેઠકોના ઉમેદવારોની નવેસરથી પસંદગી કરવાની કવાયત હાથ ધરી છે. ગાંધીનગરમાં યોજાયેલા જનાદેશ સંમેલનને મળેલી જબ્બર સફળતા અને અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં પ્રવેશથી કોંગ્રેસની છાવણીમાં હર્ષોલ્લાસનો માહોલ છે. હવે ઠાકોર અને કોળી સમાજને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવાનું હોવાથી કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ અગાઉ ઉમેદવારોની જે પેનલો બનાવી હતી. તેમાં હવે ફેરફાર કરવાનું નક્કી કર્યું હોવાથી આ પેનલ નવેસરથી બનાવાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠાકોર કોળી સમાજ સહિત ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી આ વિસ્તારોના સંભવિત ઉમેદવારોના નામ અંગે ફેરવિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યા મુજબ રાજયમાં ઓબીસી સમાજની વસ્તી પ૦ ટકાથી વધુ હોવાથી જે વિસ્તારોમાં ઓબીસી મતદારોનું પ્રભુત્વ હશે ત્યાં તે જ જ્ઞાતિનો ઉમેદવાર મુકવો પડશે. આથી કોંગ્રેસને ૬૦થી વધુ બેઠકો પર ફેરવિચારણા કરવાની ફરજ પડશે. જેમાં મોટા ભાગની બેઠકો પર અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને વિશ્વાસમાં લઈ ઉમેદવારોની પસંદગી કરાશે. જો કે કોંગ્રેસને બીજો ડર એ છે કે જે વિસ્તારમાં ઉમેદવારો બદલવાની નોબત આવશે ત્યાં ટિકિટના દાવેદારો નારાજ થવાની પણ શકયતા હોવાથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં નારાજ ટિકિટ વાંચ્છુઓને હોદ્દો કે પદ આપવાનું વચન આપી મનાવવામાં આવે તેવી શકયતા છે.