(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદ પર મધ્યસ્થીની ભૂમિકા ભજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુદ્દે બુધવારે સતત બીજા દિવસે પણ લોકસભામાં હોબાળો થયો હતો. પ્રશ્નકાળ શરૂ થતાની સાથે જ કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો કે, આ મુદ્દો સીધો જ વડાપ્રધાન સાથે સંબંધિત છે. જોકે, સ્પીકર ઓમ બિરલાએ તેમને વચ્ચે જ રોકતા કહ્યું કે, આ મુદ્દે તમને પહેલા જ બોલવાનો સમય આપ્યો હતો. ત્યારબાદ સરકાર અને મોદી વિરૂદ્ધ કોંગ્રેસના સાંસદોએ નારેબાજી શરૂ કરી હતી જેમાં કહેવાયું કે, ‘‘વડાપ્રધાન જવાબ આપો’’, ‘‘સરમુખત્યારશાહી ખતમ કરો’’ જેવા નારા લગાવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, જો આપણા વિદેશ મંત્રીએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે તો તેમાં શું વાંધો છે ? જોકે, બાદમાં બિરલાએ અધિર રંજનને બોલવાની તક આપી હતી.
અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ટ્રમ્પના નિવેદન બાદ સમગ્ર દેશના લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, આ મુદ્દે મોદી શું બોલ્યા છે. પણ વડાપ્રધાન કાંઇ બોલી રહ્યા નથી. અણે જાણવા માગીએ છીએ કે, વડાપ્રધાન અને ટ્રમ્પ વચ્ચે શુ વાત થઇ હતી. ભારે હોબાળા વચ્ચે પણ સ્પીકરે પ્રશ્નકાળ ચાલુ રાખ્યો હતો. બાદમાં ‘‘વડાપ્રધાન હાય હાય’’ના નારા સાથે વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા હતા. સંસદીય બાબતોના મંત્રીએ વિપક્ષને પ્રશ્નકાળ સમાપ્ત થવા દેવા આગ્રહ કર્યો હતો અને કહ્યું કે, આ મુદ્દો પ્રશ્નકાળ બાદ ચર્ચી શકાય છે. આપણા સંરક્ષણ મંત્રી આ મુદ્દે બોલશે. પરંતુ કોંગ્રેસના સભ્યોએ નારેબાજી ચાલુ રાખી હતી. કોંગ્રેસે વિદેશ મંત્રી જયશંકર દ્વારા અપાયેલી સ્પષ્ટતા અંગે પણ વડાપ્રધાન મોદી પાસે જવાબ માગ્યો હતો.