(એજન્સી)હૈદરાબાદ, તા. ૩
તાકાતના એક જોરદાર પ્રદર્શનમાં કોંગ્રેસે સોમવારે એક જંગી રેલી યોજીને ટીઆરએસ સરકારને તેલંગાણાના મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં ૧૨ ટકા અનામત આપવાનું તેનું મહત્વનું ચૂંટણી વચન પૂરૂં કરવાનું કહ્યું છે. જીએચસીસી લઘુમતીઓના વિભાગના ચેરમેન શેખ અબ્દુલ્લાહ સોહેલ દ્વારા યોજવામાં આવેલી મુસ્લિમોને ૧૨ ટકા અનામત આપવા માટેની પદયાત્રાનું નેતૃત્વ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસીસી)ના પ્રમુખ કેપ્ટન એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કર્યું હતું. પદયાત્રામાં પક્ષના હજારો કાર્યકરોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ મુસ્લિમોને ૧૨ ટકા અનામત આપવાનું વચન પૂરૂં કરવાની મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવને વિનંતી કરતા પોસ્ટકાર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. કોેંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ટપાલપેટીમાં પોસ્ટકાર્ડ નાખવા માટે જનરલ પોસ્ટઓફિસ સુધી ગયા હતા. તેઓએ ટીઆરએસ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા અને કેસીઆર સામે મુસ્લિમ સમુદાય સાથે છેતરપિંડી કરવાનો આરોપ મુક્યો હતો. ઉત્તમ કુમાર રેડ્ડીએ મુસ્લિમો માટે ક્વોટા વધારવા કેન્દ્ર સામે લડત ચલાવવાના મુખ્યપ્રધાને આપેલા વચનની પણ યાદ અપાવી હતી.