અમદાવાદ,તા. ૨
ભાજપની ગૌરવયાત્રા દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર કરાયેલા આક્ષેપ અને પ્રહારના વળતા પ્રહારમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભારે આક્રમકતા સાથે વળતા પ્રહાર કરતાં જણાવાયું છે કે, કોંગ્રેસે રાષ્ટ્રને મહાત્મા ગાંધી આપ્યા, જયારે ભાજપે દેશને ગોડસે આપ્યા. જનરલ ડાયરે કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી ગણાવી પરંતુ ભાજપમાં ૪૦ ગુંડાઓ છે, તે ભાજપે ભૂલવું જોઇએ નહી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર ચાબખા મારતા વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ગુજરાતમાં તેના ૨૨ વર્ષના શાસનમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય પ્રજાને કશું આપ્યું નથી. ભાજપના રાજમાં પાટીદારોના જીવ લેવાયા, દલિતોના જીવ લેવાયા, દલિતો પર અત્યાચાર, બહેન-દિકરીઓ પર બળાત્કાર, અપહરણ સહિતની ગુનાખોરીએ માઝા મૂકી છે, છતાં ભાજપ પ્રજાજનોના દુઃખ પર ગૌરવ લે છે. જે લોકોે કોમી રમખાણો કરાવતા હતા, એ લોકો ૨૨ વર્ષથી સરકારમાં રહી પ્રજાને ભરમાવી રહ્યા છે પરંતુ ગુજરાતની જનતા હવે ભાજપનો અસલી ચહેરો જાણી ગઇ છે. ગુજરાતની જનતા કોંગ્રેસની સાથે છે અને તેથી હવે ગમે તે ઘડીયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે કોંગ્રેસ બિલકુલ તૈયાર છે. સોલંકીએ વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવાસને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને સફળતા જોઇને ભાજપ ડરી ગયું છે. રાહુલ ગાંધીએ તો પગથિયા ચઢીને ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા, ભાજપના મોદી પગથિયા ચઢીને દર્શન કરી બતાવે. રાહુલ ગાંધી જમીની હકીકતની જન જનની વાત કરે છે, જયારે મોદી મનની વાત કરે છે. ભાજપ ગૌરવયાત્રાના નામે ગુજરાતની જનતાને ભરમાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ ગુજરાતની પ્રજા હવે ભાજપને જાણી ગઇ છે અને તેથી ચોતરફ ગૌરવયાત્રાનો વિરોધ થઇ રહ્યો છે.