(એજન્સી) પણજી, તા. ૧૭
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પારિકર એઇમ્સમાં પોતાના નબળા આરોગ્ય સામે ઝઝુમી રહ્યા છે અને તેમની સારવાર ચાલુ છે ત્યારે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ગોવામાં નેતૃત્વ બદલવાની અટકળોએ વેગ પકડ્યો હોવાને કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે, ભાજપે રાજ્યના નેતૃત્વ બદલવા સંબંધિત અટકળો ફગાવી દીધી હોવા છતાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પારિકરની અનુપસ્થિતિમાં ગોવામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ભાજપની કેન્દ્રીય ટીમ નિષ્ફળ નીવડ્યા બાદ કોંગ્રેસ રાજ્યમાં પોતાની સરકાર બનાવવા માટે સક્રિય થઇ ગઇ છે. બીમાર પારિકર મુખ્યપ્રધાનપદ જાળવી રાખશે કે કેમ, એ બાબતે ભાજપ અને તેના સહયોગી પક્ષો ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલો બાદ નવો ઘટનાક્રમ સર્જાયો છે.
ગોવામાં સરકાર બનાવવાના સંદર્ભમાં સોમવારે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યો રાજ્યપાલ મૃદુલા સિંહાને મળવા માટે રાજભવન પહોંચી ગયા હતા પરંતુ રાજ્યપાલ સાથે તેમની મુલાકાત થઇ શકી ન હતી અને એક પત્ર સુપરત કરીને પાછા ફર્યા હતા. પત્રમાં કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાની તક આપવાની રાજ્યપાલ પાસે માગણી કરી છે. ૪૦ સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ પાસે ૧૬ ધારાસભ્યો છે અને એનસીપીના એક ધારાસભ્યને તેને ટેકો છે તેમ જ ભાજપના ત્રણ ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના ૧૪ ધારાસભ્યો છે. ૨૦૧૭માં ગોવા વિધાનસભાની ચૂંટણી બાદ ૧૬ સભ્યો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી કોંગ્રેસ તે વખતે સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી પરંતુ હવે ગોવાની બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે થનગની રહી છે. ગોવાની વર્તમાન રાજકીય અરાજકતાની પરિસ્થિતિમાં સરકાર બનાવવા માટે ધારાસભ્યો ખરીદવા સોદાબાજી થવાની સંભાવના નકારી શકાય નહીં.
ગોવા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત કાવલેકરે જણાવ્યું કે અમે રાજ્યપાલને બે આવેદનપત્ર સુપરત કર્યા છે. આવેદનપત્રમાં રાજ્યપાલને એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે ૧૮ મહિનામાં જ ફરી ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાવી જોઇએ નહીં. રાજ્યની જનતાએ અમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. ભાજપ સામે નિશાન સાધતા તેમણે જણાવ્યું કે જો વર્તમાન સરકાર કાર્ય કરવામાં સક્ષમ નથી તો, અમને સરકાર બનાવવાની તક આપવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે પરંતુ અમને સરકાર બનાવવાની તક આપવામાં ન આવી, આજે તેનું પરિણામ જુઓ કે ગોવામાં સરકાર કેવી રીતે ચાલી રહી છે. સરકાર હોવા છતાં નથી અને અમારી પાસે સરકાર બનાવવા માટે પુરતી સંખ્યા હોવોથી અમે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે રાજ્યપાલને ગોવા વિધાનસભા વિસર્જન નહીં કરવાની પણ અરજ કરી છે. રાજ્યના શાસક ગઠબંધનમાં આંતરિક ડખો અને પારિકરની માંદગીને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન કરવાની વિચારણા કરે તેવી શક્યતા હોવાનું કાવલેકરે જણાવ્યું છે.
દરમિયાન, એઆઇસીસીના મહામંત્રી એ.ચેલ્લાકુમારે જણાવ્યું કે અમારૂં વલણ સ્પષ્ટ છે. અમે ચોક્કસપણે બધી શક્યતાઓ ચકાસીશું પરંતુ તેનો એવો અર્થ થતો નથી કે અમે ગોવામાં સત્તા હાંસલ કરવા માટે રાજ્યના લોકોના હિતો સાથે બાંધછોડ કરીશું. કોંગ્રેસ પ્રજાને જવાબદાર છે. જ્યારે ગોવા રાજ્ય કોંગ્રેસ સમિતાના પ્રમુખ ગિરિશ ચોડાંકરે એક નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય વિપક્ષની રચનાત્મક અને અસરકારક ભૂમિકા ભજવવાથી ખચકાઇ નથી પરંતુ અમે સરકાર બનાવવા આગળ આવતા અને તેની જવાબદારી લેવાથી પણ ખચકાઇશું નહીં. પાછલા બારણેથી ગોવામાં યુક્તિપૂર્વક રાષ્ટ્રપતિ શાસન લાદવાના ભાજપના સંભવિત કાવતરા વિશે અમે રાજ્યપાલને વાકેફ અને સતર્ક કર્યા છે.

ગોવા વિધાનસભાની પક્ષવાર સ્થિતિ
પક્ષ ધારાસભ્યની સંખ્યા
– કોંગ્રેસ ૧૬
– ભાજપ ૧૪
-એમજીપી ૦૩
– જીએફપી ૦૩
– અપક્ષ ૦૩
– એનસીપી ૦૧
કુલ ૪૦

જીએફપી અને એમજીપીને ભાજપમાં સામેલ થવાની સલાહ

(એજન્સી) પણજી, તા. ૧૭
ગોવામાં ચાલી રહેલી ભારે રાજકીય હિલચાલને ધ્યાનમાં રાખીને અક તરફ ભાજપમાં અસંતોષનો માહોલ છે ત્યારે બીજીબાજુ વિધાનસભામાં ઉપાધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા માઇકલ લોબોએ જણાવ્યું છે કે પક્ષના દૂત ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી)ને ભાજપના હિસ્સા બની જવાની સલાહ આપી રહ્યા છે. જો આ બંને પક્ષો ભાજપમાં સામેલ થઇ જશે તો ગોવામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઇ જશે. ગોવા વિધાનસભામાં જીએફપીના ૩ અને એમજીપીના પણ ૩ ધારાસભ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે આગામી મુખ્ય પ્રધાન કોણ બનશે, કોણ પ્રભાર સંભાળશે અને અન્ય સંબંધિત બાબતોનેે પણ જોવામાં આવશે. લોબોએ એવું પણ જણાવ્યું કે હાલમાં અમારૂં ધ્યાન ગોવા વિધાનસભામાં ભાજપની સભ્ય સંખ્યા ૧૪થી વધારીને ૧૭ કરવા પર કેન્દ્રીત છે. જો જીએફપી અને એમજીપી ભાજપમાં સામેલ થઇ જશે તો પક્ષની સભ્ય સંખ્યા વધીને ૨૦ થઇ જશે.

કોંગ્રેસ સરકાર બનાવવા ગંભીર રીતે સક્રિય

(એજન્સી) પણજી, તા. ૧૭
ગોવામાં ગત બુધવારથી જોડ-તોડની રાજનીતિ પર કામ ચાલુ છે. ગોવામાં પ્રવર્તમાન રાજકીય અરાજકતાની સ્થિતિમાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવવા માટે ગંભીર રીતે સક્રિય થઇ ગઇ છે. કોંગ્રેસ ગોવાના પ્રવક્તા એ ધારાસભ્ય દયાનંદ સોપ્તેએ જણાવ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્ય પારિકર સરકાર ઉથલાવવા માટે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માટે પણ તૈયાર છે અને પક્ષના સંપર્કમાં છે. જોકે, ભાજપના એ ત્રણ ધારાસભ્યોના નામ આપવાનો તેમણે ઇનકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું કે જો ભાજપના આ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં આવી જશે તો કોંગ્રેસની સભ્ય સંખ્યા વધી જશે. દરમિયાન, ભાજપના ગોવા પ્રદેશ પ્રમુખ વિનય તંડુલકરનો આ બાબતે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે સોપ્તેનો દાવો ફગાવી દીધો હતો.

સરકારને કોઇ ખતરો નથી : ભાજપ

(એજન્સી) પણજી, તા. ૧૭
ભાજપના ગોવાના અધ્યક્ષ વિનય તેંડુલકરે રાજ્ય સરકાર વિશેની બધી અટકળોનો અંત આણતા જણાવ્યું કે રાજ્યની નેતાગીરીમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. મનોહર પારિકર જ ગોવાના મુખ્ય પ્રધાન છે અને રહેશે. દરમિયાન, ગોવાના માંદા થયેલા મુખ્યપ્રધાન મનોહર પારિકરની અનુપસ્થિતિમાં વૈકલ્પિક નેતૃત્વની અટકળો વચ્ચે રાજ્યની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભાજપની એક કેન્દ્રીય ટીમે સોમવારે ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ લાલ અને તેમના સહયોગી બીએલ સંતોષ અને વિજય પુરાણિકના નેતૃત્વમાં એક હોટલમાં બેઠક યોજાઇ હતી. ભૂતપૂર્વ ઉર્જા પ્રધાન મહાદેવ નાઇકે જણાવ્યું કે કોઇને ગોવાના પ્રભારી બનાવવા અંગે કોઇ ચર્ચા થઇ હોવાનો ઇનકાર કર્યો છે પરંતુ આ બાબતે હાઇકમાન્ડ નિર્ણય લેશે, એવું તેમણે કહીને અટકળોને વેગ આપી દીધો છે. અગાઉ, ગોવાના મુખ્ય પ્રધાન પારિકરે પોતાની માંદગીને કારણે ભાજપના પ્રમુખ અમિતશાહને રાજ્યના નેતૃત્વ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો હતો.