(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની આજે પેટાચૂંટણી રાજકીય ગરમ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. કોંગ્રેસના બે ધારાસભ્યોના ક્રોસ વોટિંગ અને રાજીનામાને પગલે રાજકીય ગરમાવા વચ્ચે મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે મતગણતરીના અંતે પરિણામો જાહેર થતાં બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે અગાઉથી જ નિશ્ચિત થયા પ્રમાણે કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી ન હતી. કોંગ્રેસના અગ્રણીઓએ પેટાચૂંટણીમાં હારના મુદ્દાને લઈ હવે કોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કરી નિષ્ણાંત એડવોકેટ્‌સ પાસેથી લીગલ એડવાઈઝ લેવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યસભાની પેટાચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરતાં અને તેમાં બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન યોજવાનું જણાવતા ત્યારથી જ બન્ને બેઠકો ભાજપની પાકી હોવાની ગણતરી મંડાઈ ચૂકી હતી. કેમ કે વિધાનસભામાં સંખ્યાબળની દૃષ્ટિએ ભાજપના ધારાસભ્યો ૧૦૦થી વધુ હોઈ અને તેની સામે કોંગ્રેસના ૭૧ ધારાસભ્યો હોવાને લીધે ભાજપની જીત નિશ્ચિત મનાતી હતી. દરમ્યાન આજે મતદાન બાદ આખરે પરિણામો જાહેર થતા ભાજપના બંને ઉમેદવારોને ૧૦૪-૧૦૪ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના બંને ઉમેદવારોને ૭૦-૭૦ મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોના ૬૯ મત તથા અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો એક મત મળતા કુલ ૭૦ મત કોંગ્રેસને મળ્યા હતા. જયારે બીટીપી અને એનસીપીના ધારાસભ્યોના મતો પણ ભાજપને મળતા ભાજપનો આંકડો ૧૦૪ પર પહોંચ્યો હતો. ભાજપમાંથી કેબિનેટ મંત્રી આર.સી. ફળદુનો એક મત ગેરલાયક ઠર્યો હતો. આમ પરિણામોને અંતે ભાજપના એસ. જયશંકરને ૧૦૪ તથા જુગલ ઠાકોરને ૧૦પ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ગૌરવ પંડયા અને ચંદ્રીકાબેન ચુડાસમાને ૭૦-૭૦ મત મળતા તેઓનો પરાજય થયો હતો.
દરમ્યાન ભાજપની જીતને હવે કોંગ્રેસ કોર્ટમાં પડકારશે આ અંગેની તજવીજ કોંગ્રેસના અગ્રણીઓએ હાથ ધરી દીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમકોર્ટમાં આ મુદ્દો પડકારતા સુપ્રીમકોર્ટે રાજયસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કોર્ટમાં આ મુદ્દો પડકારવાની સૂચના આપી હતી.