(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
રાજ્યમાં પાટીદાર સમાજને ઓબીસી અનામત આપવા માટે લડત આપતી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને કોંગ્રેસ વચ્ચે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિન અનામત લોકોને અનામત કઈ રીતે આપી શકાય તેનો અભ્યાસ કર્યા બાદ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપી આજરોજ રાષ્ટ્રીય નેતા અને જાણીતા કાયદાવિદ્‌ કપિલ સિબ્બલ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો તથા પાસના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી જેનો નિર્ણય આવતીકાલે જાહેર કરાય તેવી શક્યતા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ કપિલ સિબ્બલે પાટીદારોને અનામત આપી શકાય કે કેમ ? તે અંગે બંધારણીય રીતે કાયદાનો અભ્યાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીને સુપરત કરાયો હતો. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે પાટીદારોને અનામત આપવા અંગેના પેચીદા પ્રશ્નનો સાનુકૂળ ઉકેલ આવશે. તે જોતા કોંગ્રેસે બંધારણીય રીતે કોઈ રસ્તો કાઢ્યો હશે તેવું અનુમાન લગાવાતું હતું. દરમિયાન આજે રાત્રે ૧૧.૧પ કલાકે કપિલ સિબ્બલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આવી પહોંચ્યા હતા. એ અગાઉ પાસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદારો પણ ટોપી પહેરી હાજર રહ્યા હતા અને જય સરદાર જય પાટીદારના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. કપિલ સિબ્બલ આવતા જ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, બાબુભાઈ માંગુકિયા વગેરે કોંગ્રેસ કાર્યાલયમાં ગોઠવાઈ ગયા હતા અને પાસના આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી હતી. કોંગ્રેસ ઓબીસી અનામતને છેડછાડ કર્યા વિના કઈ રીતે અનામત આપશે તેની પર કોંગ્રેસના કાર્યકરો તો ઠીક પાટીદારો, સામાન્ય પ્રજા અને ખુદ ભાજપના નેતાઓની પર નજર મંડરાયેલી છે. બેઠકમાં કપિલ સિબ્બલે તૈયાર કરેલા ડ્રાફ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ ડ્રાફ્ટમાં બિન અનામત વર્ગને ઈબીસી અનામત આપવી કે હાલની ઓબીસી અનામતમાં છેડછાડ કર્યા વિના અલગથી ઓબીસી અનામતની વાત કરવી અને કોંગ્રેસ સત્તા પર આવે તો તે અંગે વિધાનસભામાં જોગવાઈ કરવી તેમાંથી કયો નિર્ણય લેવાયો તેની મોડી રાત્રી સુધી જાણકારી મળી શકી ન હતી. જો કે કોંગ્રેસના આગેવાનો અને પાસના અગ્રણીઓ જે કંઈપણ નિર્ણય લેવાશે તેની જાહેરાત આવતીકાલે કરે તેવી શક્યતા છે.
છેલ્લે મળતી માહિતી મુજબ પાસના અગ્રણીઓ સાથેની બેઠક બાદ કપિલ સિબ્બલ અને કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ વચ્ચે ખાનગીમાં બેઠક મળી હતી એ જ રીતે પાસના અગ્રણીઓ વચ્ચે પણ અલગ બેઠક મળી હતી અને આ અંગે કઈ રીતે જાહેરાત કરવી તે માટે ચર્ચા કરી હતી.