(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોંગ્રેસ કર્ણાટક વિધાનસભાની આગામી ચૂંટણીમાં ‘સોફ્ટ હિંદુત્વ’ની ગુજરાતમાં અપનાવેલી ચૂંટણી રણનીતિ ચાલુ રાખશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિવિધ મંદિરોના દર્શન કરીને તેમજ જનોઈધારી તરીકે પોતાની છબી ઊભી કરીને સમાચારોની હેડલાઈન્સમાં ચમક્યા હતા અને એવો નિર્દેશ આપ્યો હતો કે, કોંગ્રેસના પ્રમુખે મુસ્લિમોને ખુશ કરવાની પક્ષની દાયકા જૂની નીતિ હવે બદલી છે. ગુજરાતમાં ભાજપને ૧૦૦ કરતા ઓછી બેઠકો સુધી મર્યાદિત રાખીને નવસર્જિત કોંગ્રેસને હવે એવું લાગે છે કે, તેના દ્વારા અખત્યાર કરવામાં આવેલ સોફ્ટ હિંદુત્વની નીતિને કારણે ગુજરાતમાં હિંદુઓને ખુશ કરવાની ભાજપની વર્ષો જૂની નીતિ નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ હવે ૧૩ જાન્યુઆરીના રોજ પક્ષના ટોચના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠકમાં કર્ણાટક માટેની ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે. કોંગ્રેસના કર્ણાટક મહામંત્રી અને પ્રભારી કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ૨૦ જાન્યુઆરી બાદ કર્ણાટકમાં પ્રચાર શરૂ કરશે. તેઓ પ્રથમ દોરમાં મૈસૂર, બેલગાંવ અને બેલારીમાં પ્રચાર ઝુંબેશ હાથ ધરશે. પોતાના દાદી અને દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જેમ રાહુલ ગાંધી ચીકમગ્લુરુ મતક્ષેત્રમાં શુંગેરી શારદા પીઠની મુલાકાત લેનાર છે. રાહુલ દ્વારા મંદિરોમાં દર્શનના દોરને ભાજપ વખોડી કાઢશે એવી દહેશતને લઈને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પક્ષના ઝારખંડના પ્રભારી આરપીએનસીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો કોઈ મંદિરમાં જઈને આશીર્વાદ મેળવે તો તેની સામે ભાજપ શા માટે વાંધો ઉઠાવે છે ? ભાજપની સ્થાપના થઈ તે પહેલાંથી હિંદુઓ મંદિરોમાં પ્રાર્થના અને પૂજા અર્ચન કરતા આવ્યા છે.