(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.ર૧
વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે નહી તે માટે પોલીસ દ્વારા આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર, સેવાદળના જતીન દવે, લાંભવેલના સરપંચ મહેશ રાઠોડ, આણંદ નગરપાલિકા વિપક્ષના મુખ્યદંડક કેતન બારોટ અને શહેર કોંગ્રેસના મહામંત્રી ઈરફાન મલેક સહિત પાંચ કાર્યકરોની આણંદ ટાઉન પોલીસે અટકાયત કરી પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. જ્યારે વલ્લભ વિદ્યાનગર પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસના વિક્રમ ભરવાડ સહિત ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કુલ ૮ કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. જો કે કાર્યક્રમ પત્યા બાદ તેઓને મુકત કરી દેવાયા હતા.
તાજેતરમાં આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા આવી ઘટના આ કાર્યક્રમમાં બને નહિ તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ શહીદ ચોક અને નલીની આર્ટ્‌સ કોલેજ તેમજ શાસ્ત્રી મેદાનવાળા માર્ગ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી અને આસપાસના તમામ વિસ્તારોમાં આવેલી ઈમારતોની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.