(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
લોકસભા ચૂંટણીઓમાં થયેલા ઘોર પરાજય બાદ હવે કોંગ્રેસને અલગ-અલગ સાઇડ ઇફેક્ટ પણ થઇ રહી છે. મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ સામે હવે રાજસ્થાન સરકારમાં પણ સંકટ ઉભું થઇ રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર સીએમ અશોક ગેહલોતના નિકટના મંત્રીના રાજીનામાને બહુ શેર કરવામાં આવી રહ્યું છે. તેમના રાજીનામાની અટકળો પણ ચાલુ છે અને હવે તેઓ લાપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય બે પ્રધાનોએ પણ હારના આકલનની વાત કહી છે. આ બધી અટકળો વચ્ચે રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ, પક્ષના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધીએ મંગળવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આવાસ પર તેમની સાથે મુલાકાત કરી હતી. જોકે, બેઠક દરમિયાન શું ચર્ચા થઇ ? તેના વિશે હાલમાં કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
રાજસ્થાનમાં કોંગ્રેસના પરાજય બાદ પ્રદેશના નેતૃત્વ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. રાહુલ ગાંધી ઇચ્છતા ન હતા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યપ્રધાનોના પુત્રો ચૂંટણી લડે, તેમની આ ટિપ્પણી ચર્ચામાં છે. આ ચૂંટણીઓમાં મધ્યપ્રદેશના સીએમ કમલનાથના પુત્ર નકુલ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ચૂંટણી મેદાનમાં હતા. અશોક ગેહલોત પોતાના પુત્રને જીતાડી ન શક્યા. એવું માનવાામાં આવી રહ્યું છે કે રાહુલનો ઇશારો આ બંને પર હતો. પક્ષના પરાજય બાદ સમીક્ષા કરવા માટે યોજવામાં આવેલી કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવેલા અશોક ગેહલોત ખુલાસા કરી રહ્યા છે કે આ પાર્ટીના આંતરિક મામલા હોય છે અને રાહુલ ગાંધીજી પક્ષના પ્રમુખ હોવાથી તેમને કહેવાનો અધિકાર છે. જ્યારે બીજીબાજુ મંત્રી રમેશ મીણાએ કહ્યું કે માત્ર ગેહલોત નહીં સમગ્ર પ્રદેશ નેતૃત્વે જવાબદારી સ્વીકારવી જોઇએ.