(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
કોંગ્રેસની અડાલજમાં યોજાયેલી જનસંકલ્પ રેલીમાં ૧ર માર્ચના રોજ રાહુલ ગાંધીના હાથે ખેસ પહેરાવી કોંગ્રેસના પ્રવેશેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે ફોર્મ ભરી કાર્યકર તરીકે જોડાયો હતો. કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ હાર્દિક પ્રથમવાર કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને અનેક કાર્યકરોને મળ્યો હતો. તેમજ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેનું ફોર્મ ભરીને કાર્યકર બન્યા હતા. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે, પાટીની વિચારધારા દરેક પરિવાર સુધી પહોંચે અને અમે જનતાનો અવાજ બનીશું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ હાર્દિક પટેલને આવકાર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, તે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેનું ફોર્મ ભરીને કાર્યકર તરીકે જોડાયા છે. તેમજ તે આગામી દિવસોમાં પક્ષની વિચારધારાને લોકો સુધી લઈ જવાનું કાર્ય કરશે. પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ અડાલજમાં આયોજિત કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમનું રાહુલ ગાંધીએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ તેમની સાથે હાથ મિલાવી તેને કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા બાદ સ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નહેરૂની વિચારધારા સાથે જોડાયેલા કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. અત્યાર સુધી હું સામાજિક આંદોલનથી સત્ય અને ઈમાનદારીથી રાહ પર ચાલતો હતો.
અત્રે નોંધનીય છે કે હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરત જિલ્લાની પાટીદાર બહુમતી વસ્તી ધરાવતી બેઠકો પર ફાયદો થઈ શકે છે. કોંગ્રેસ એવી આશા સેવી રહી છે કે હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશથી ભાજપના પરંપરાગત વોટ બેંકમાં ભાગલા પડશે જેનો ફાયદો કોંગ્રેસનો મળી શકે છે.