(એજન્સી) જયપુર, તા. ૧૬
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપને ભારે ફટકો પડ્યો છે. રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા માનવેન્દ્રસિંહ આવતીકાલે બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાંં માનવેન્દ્રસિંહે તેઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાની પુષ્ટિ કરી છે. માનવેન્દ્રસિંહ અટલ બિહારી વાજપેયી શાનકાળ દરમિયાન નાણા પ્રધાન રહેલા જસવંતસિંહના પુત્ર છે. માનવેન્દ્રસિંહના કોંગ્રેસમાં જોડાવાના સમયે રાજસ્થાનના કોંગ્રેસ વડા સચિન પાયલોટ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સહિત રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેવાના હોવાની સંભાવના છે. સચિન પાયલોટે પણ માનવેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા હોવાના અહેવાલોને સમર્થન આપ્યું છે અને જણાવ્યું કે માનવેન્દ્રસિંહ બુધવારે સવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને ત્યાર પછી એક પત્રકાર પરિષદ યોજાશે. બાડમેરના પચપદ્રામાં ૨૨મી સપ્ટેમ્બરે યોજવામાં આવેલી એક રેલીમાં માનવેન્દ્રસિંહે ભાજપની ટોચની નેતાગીરી તેમના સમર્થકોની પજવણી અટકાવવા કે તેમની ચિંતાઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડી હોવાથી આત્મ સમ્માન અને ગૌરવ માટે તેઓ ભાજપ છોડી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. હાલમાં ભાજપની રાજસ્થાન નેતાગીરીના ઇશારે તેમના સમર્થકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. એક રેલીમાં ‘કમલ કા ફુલ, બડી ભૂલ’ના સૂત્રોચ્ચારો વચ્ચે તેમણે જણાવ્યું હતું કે તમે લીધેલો નિર્ણય : ‘કમલ કા ફુલ, બડી ભૂલ’ એ મારો નિર્ણય છે અને મારો આગામી નિર્ણય તમારા માર્ગદર્શન હેઠળ હશે. આ ઝુંબેશ ચાલુ રહેશે.