(એજન્સી) ભોપાલ, તા. ૩
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી ૨૮મી નવેમ્બરે યોજાવાની છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાતા ભાજપને ભારે ફટકો પડ્યો છે. સંજયસિંહ કોંગ્રેસના સભ્ય બન્યા ત્યારે તેમની સાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાં ત્રણ વખત સીએમ રહેલા શિવરાજસિંહ માટે આ વ્યક્તિગત રીતે પણ ભારે ફટકો છે. બીજીબાજુ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ સંજયસિંહે કમલનાથની ભારે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, સંજયસિંહે તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનપદ માટે કમલનાથની જોરદાર હિમાયત પણ કરી છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના હવે ‘રાજની નહીં નાથ’ની જરૂર છે. સંજયસિંહ શિવરાજસિંહનાં પત્ની સાધના સિંહના ભાઇ છે. એવું કહેવાય છે કે ભાજપની ટિકિટ નહીં મળવાથી સંજયસિંહ પોતાના જીજા અને ભાજપથી નારાજ હતા.
સંજયસિંહ બાલાઘાટ જિલ્લાના વરાસિઓનીથી વિધાનસભાની ચૂંટણીઓ લડવા માગતા હતા પરંતુ ભાજપે તેમને બદલે આ મતવિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય યોગેન્દ્ર નિર્મલને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપ હવે લગભગ ભાઇ-ભત્રીજાવાદ કે સગાવાદ અને વંશ પરંપરાનો પક્ષ બની ગયો છે. ભાજપ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા મોટાભાગના ઉમેદવારો ધારાસભ્યો કે સાંસદોના પુત્રો અને પુત્રીઓ છે. વંશ પરંપરાના રાજકારણને કારણે પક્ષ માટે કામ કરનારાઓની અવગણના કરવામાં આવી રહી છે. સંજયસિંહે એવું પણ કહ્યું કે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. બેરોજગારી અને ઉદ્યોગોનો અભાવ બે મોટી સમસ્યાઓ છે. શિવરાજસિંહે આટલા વર્ષોના તેમના શાસન દરમિયાન કશું જ કર્યું નથી.