(એજન્સી)
નવી દિલ્હી, તા. ૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેખાતા અભિનંદન પાઠક ભાજપ સામેની ઝુંબેશમાં કોંગ્રેસમાં જોડવાની વિચારણા કરી રહ્યા છે. એક વખત વડાપ્રધાનના પ્રખર અને ઉત્સાહી અનુયાયી રહેલા પાઠકે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (યુપીસીસી)ના પ્રમુખ રાજ બબ્બર સાથે મુલાકાત કરી લીધી છે. માર્ચ ૨૦૧૮માં ગોરખપુરની પેટાચૂંટણી દરમિયાન ઘેર-ઘેર ઝુંબેશ સહિત ઘણા પ્રસંગોએ વડાપ્રધાન મોદી અને તેમના પક્ષ ભાજપ માટે સહારનપુરના વતની પાઠકે પ્રચાર કર્યો હતો. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે મોદી ખરેખર જે વિચારે છે અને કહે છે, તેનાથી વિપરીત ભાજપ કેવી રીતે કામ કરે છે, તે જોઇને મને આંચકો લાગ્યો છે. લોકો મને પૂછી રહ્યા છે કે ‘અચ્છે દિન કબ આયેંગે ?’ વડાપ્રધાન જેવા દેખાતા હોવાની વેદનાઓનું વર્ણન કરતા તેમણે ખુલાસો કર્યો કે તેઓ લોકોના રોષનો કેવી રીતે ભોગ બન્યા. તેમણે કહ્યું કે લોકો મારો તિરસ્કાર કરે છે અને માર મારે છે. આ બધી બાબતનો કારણે હવે મેં આગામી ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભાજપની વિરૂદ્ધમાં અને કોંગ્રેસ માટે પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. પાઠકે જણાવ્યું કે રાજબબ્બરે વધુ ચર્ચા કરવા માટે યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે એક બેઠક યોજવાની તેમને ખાતરી આપી છે. પાઠકે એવું પણ કહ્યું કે હવે તેમણે કોંગ્રેસ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજ નથી પરંતુ ભાજપની કાર્ય પદ્ધતિની વિરૂદ્ધમાં છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની છબી વધુ ઉજળી બનાવી છે. મારી ફરિયાદ ભાજપ સામે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં નથી. ભાજપ તેમના ‘મન કી બાત’ પર ફોકસ કરે છે પરંતુ સામાન્ય માણસનું મન શું કહે છે, તે સાંભળવા ભાજપ તૈયાર નથી.