(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર
જૂનાગઢ શહેર કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બોરડ ની યાદી જણાવે છે કે, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષ વિરડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વોર્ડ નંબર ૧૫ ની પેટા ચૂંટણી માટેની એક બહોળી સંખ્યાની ગ્રુપ મિટિંગમાં સ્થાનિક પ્રજાકીય વિકાસના કામો માં અસંતોષ થતા ભાજપ માં ભડકો થયેલ. ભાજપના વર્ષો જૂના પીઢ આગેવાન અને શિક્ષણવિદ કરશનભાઈ જાડેજા ૨૦૦થી વધારે સ્થાનિક આગેવાન કાર્યકરો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય ગયેલ, અને કોંગ્રેસના ઉમેદવાર ગિરધરભાઈ સોજીત્રાને વિજયી બનાવવા હાકલ કરેલ,આ તકે કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષ વિરડાએ તમામને કોંગ્રેસ નો ખેસ પેહરાવી તાળીઓના ગડગડાટ વચ્ચે કોંગ્રેસ પરિવારમાં ઉમળકા થી આવકારેલ. વોર્ડ નંબર ૧૫ આવતા સ્થાનિક વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઈટ જેવા લોકો ની જીવાદોરી સમાન વિકાસ કામોની ભાજપ ના સ્થાનિક આગેવાન તરીકે ભાજપ મહાનગર પાલિકાના સતાધીશો ને વારંવાર રજૂઆતો કરવા છતા તંત્ર વાહકો ના બહેરા કાને અથડાય ગયેલ, તાજેતરમાં જ દ્વારકાપૂરી, મીરાનગર, ગીતાનગર, અમૃત નગર, ભાગ્યલક્ષ્મી વિગેરે સોસાયટી વિસ્તારોમાં પાંચ મહિના પહેલાં જ બનાવેલ રોડ રસ્તા તૂટી ગયેલ છે, તદુપરાંત પીવાના પાણીની મોટી મુશ્કેલી છે. ચોમાસાની સીઝનમાં આ વિસ્તારમાં રસ્તા માં ખાડા છે કે ખાડા માં રસ્તા છે એની ખબર જ પડતી નથી તેને કારણે અવાર નવાર અકસ્માતો થાય છે, યોગ્ય સંકલનના અભાવે અને સત્તાધીશોની અણઆવડતને લીધે નવા બનાવેલા રસ્તા ઓ તોડવા પડે છે, ને ફરી રિપેર કરવાની તંત્ર તસ્દી લેતું નથી. આ બધા સ્થાનિક પ્રશ્નોને લઈને મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રા ના સુતું છે.