(એજન્સી) તા.૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ૧૯ જાન્યુઆરી શનિવારે કોલકાતામાં વિપક્ષની મહારેલીનું આયોજન કરશે. આ રેલી દ્વારા તે ર૦૧૯ની ચૂંટણી પહેલાં ભાજપ વિરૂદ્ધ વિપક્ષી એકતાનો સંકેત આપવા માંગે છે. મમતા બેનરજીએ આ રેલીને ભાજપ માટે મૃત્યુ ઘંટ સમાન ગણાવી હતી. આ યુનાઈટેડ ઈન્ડિયા રેલીમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), ટીડીપી, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ, એનસીપી, આરજેડી અને કોંગ્રેસના નેતાઓ અથવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. મમતા બેનરજીએ આ રેલી પહેલાં એક નિવેદન આપતા કહ્યું હતું કે, “ચૂંટણી પછી પ્રાદેશિક પાર્ટીઓ નિર્ણાયત્મક ભૂમિકા ભજવશે.” તૃણમૂલ અધ્યક્ષના આ નિવેદનમાં કોંગ્રેસ માટે પણ સંદેશ હતો. વિપક્ષમાં કોંગ્રેસના સ્થાન વિશે અસ્પષ્ટતા ઊભી થવા પાછળ બે પરિબળો છે. પ્રથમ તો કેટલીક પ્રાદેશિક પાર્ટીઓ માટે કોંગ્રેસ તેમના રાજ્યમાં સંભવિત હરીફ છે. જેમ કે, સપા-બસપા માટે ઉત્તરપ્રદેશમાં અને તૃણમૂલ કોંગ્રેસ માટે પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ હરીફ પાર્ટી છે. બીજો પરિબળ એ છે કે, કોંગ્રેસે ગયા વર્ષે કરેલા પ્રદર્શનના કારણે પ્રાદેશિક પક્ષો અસ્વસ્થતા અનુભવી રહ્યા છે, જ્યાં સુધી કોંગ્રેસ નબળી હતી, ત્યાં સુધી પ્રાદેશિક પક્ષો માટે તેને ગઠબંધનમાં સામેલ કરવું સરળ હતું, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રણ હિંદી ભાષી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે વિજય મેળવી, ત્યાં સરકારની રચના કર્યા પછી આ મુશ્કેલ થઈ ગયું છે. આમ, હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટીઓએ નક્કી કરેલા ગઠબંધનના માળખામાં બંધ બેસતી નથી. મમતા બેનરજીની પ્રાદેશિક પાર્ટીઓને “નિર્ણાયક પરિબળ” ગણાવતી ટિપ્પણીને આ સંદર્ભમાં જોવામાં આવે છે.