(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની બાબત ભાજપ-કોંગ્રેસ બંનેને પરસેવો પડાવનારી બની રહી છે. તેમાંય પક્ષ છોડી બીજા પક્ષમાં સામેલ થનારા સભ્યોને ટિકિટ આપવાનો વાયદો કર્યા બાદ હવે તે પૈકીના કેટલાકને ટિકિટ આપવી જોખમભર્યું બની રહેતા જે તે સભ્યની સાથે સાથે ભાજપની સ્થિતિ પણ કફોડી બની છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા એક ડઝન જેટલા ધારાસભ્યો પૈકી અમુકની તો ટેકનીકલ જ બાદબાકી થઈ જવા પામી છે. ત્યારે ચાર કે પાંચ જ ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપે તેવી વિગતો બહાર આવી છે. તેમાં સૌથી પહેલાં તેજશ્રીબેન પટેલની ટિકિટ ફાઈનલ થયાની ભાજપમાંથી જાહેરાત થતાં આશ્ચર્ય ફેલાયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિરમગામના મહિલા ધારાસભ્ય તેજશ્રીબેન પટેલની ટિકિટ ફાઇનલ હોવાનું ભાજપના નેતાએ જાહેર કરતાં લોકોએ અભિનંદનનો મારો ચલાવ્યો હતો. ભાજપના અગ્રણી નેતા અને પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે જાહેરમાં જણાવ્યું હતું કે, ભાજપમાંથી વિરમગામની સીટ ઉપર તેજશ્રીબેનની ટિકિટ ફાઇનલ છે. આટલું જ નહીં, તેમણે અમિત શાહના હવાલાથી આ જાહેરાત કરતાં પ્રદેશ ભાજપમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની તમામ ૧૮૨ સીટો પર ઉમેદવારોના નામોની પસંદગી અંગે બેઠકો કરી રહ્યા છે, ત્યાં જ ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે સૌથી પહેલાં ભાજપના પ્રથમ ઉમેદવાર તરીકે તેજશ્રીબેનની જાહેરાત કરતાં અમિત શાહ સહિતના નેતાઓ નારાજ થયા છે. ૨૯મી ઓક્ટોબરના રોજ વિરમગામમાં આયોજિત એક બેઠકમાં કે.સી.પટેલે જણાવ્યું હતું કે, વિરમગામની સીટ પર તેજશ્રીબેનનું નામ ફાઇનલ છે અને અમિત શાહે તેમનું નામ ફાઇનલ કર્યું હોવાની જાહેરાત કરી હતી. જે બાદ ભાજપ વર્તુળોમાં આશ્ચર્ય સાથે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફીડબેકના આધારે અમિત શાહે ૧૧૬ ધારાસભ્યોમાંથી ૪૬ ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે જેમની ટિકિટ કપાઈ શકે છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહે અમદાવાદમાં મળનારી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાશે. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર રહેવાના છે. બેઠકમાં ઉમેદવારોની પેનલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બેઠકમાં જે ધારાસભ્યોની ટિકિટ કપાવાની છે તેના આંકડામાં ફેરફાર થવાની શક્યતા પણ રહેલી છે.