(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૮
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની જીતના ખરા સારથી ૪૩ વફાદાર ધારાસભ્યોની વફાદારીની કદર કરી તેમનું તાજેતરમાં ભાવનગર ખાતે સન્માન કરાયા બાદ આવતીકાલે તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને ઈમાનદારીને બિરદાવવા સુરત ખાતે સન્માન કરવામાં આવશે. જેમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અને આગેવાનો હાજર રહેશે. રાજયસભાની તા.૮મી ઓગસ્ટે યોજાયેલી ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડી તેમના પક્ષમાં ખેંચી જવાની તેમ જ અન્ય કેટલાક ધારાસભ્યોને કરોડો રૂપિયાની અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની લાલચ આપી તોડફોડની રાજનીતિ કરાઇ હતી, જેનાથી કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તોડાય નહી તે માટે સાચવવા અને સુરક્ષાના ભાગરૂપે ૪૪ ધારાસભ્યોને બેંગલુરૂ ખાતેના રિસોર્ટ ખાતે લઇ જવાયા હતા. જયાંથી ચૂંટણીના દિવસે જ સીધા તેમને ગાંધીનગર લવાયા હતા. એ વખતે કોંગ્રેસના ૪૪માંથી ૪૩ ધારાસભ્યોએ પક્ષ સાથેની વફાદારી નિભાવી હતી અને આ તમામે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર એહમદ પટેલને જ મત આપી તેઓને જીતાડી દીધા હતા. કોંગ્રેસના ધારાસભ્યોની વફાદારી અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાના કારણે રાજયસભાની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં કોંગ્રેસની ઇજ્જત સચવાઇ ગઇ હતી. કારણ કે, સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રાજયસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા અને તાકાત દાવ પર લાગી હતી. જો કે, આખરે કોંગ્રેસના ધારાસભ્યોની વફાદારીને લઇ કોંગ્રેસ પોતાની પ્રતિષ્ઠા બચાવવામાં સફળ રહી હતી. જેથી કોંગ્રેસ દ્વારા પક્ષના આ ૪૩ વફાદાર ધારાસભ્યોની ઇમાનદારી અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા બિરદાવવાના ભાગરૂપે આવતીકાલે સુરતમાં તેઓના જાહેર સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે.