(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા બેંગ્લુરૂ ગયેલા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો આજે વહેલી સવારે આણંદ આવી પહોંચ્યા હતા અને આણંદ બોરસદ રોડ પર આવેલ નિજાનંદ રિસોર્ટ ખાતે લઈ જવાયા હતા. ત્યારબાદ આજે તમામ ધારાસભ્યોએ પોતાની બહેનો, પરિવારજનો અને મિત્રવર્તુળની હાજરીમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. હવે આવતીકાલે સવારે રાજ્યસભાના સાંસદની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ કોંગ્રેસ તો ઠીક ભાજપના નેતાઓના જીવ પણ તાળવે ચોટેલા છે. આવતીકાલે સવારે અભેદ્ય સુરક્ષા કવચ સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને રિસોર્ટથી સીધા ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે રાજ્યસભાની બેઠકના મતદાન માટે લઇ જવાશે. જયાં કોંગ્રેસના ધારાસભ્યો વિધિવત્ મતદાન કરશે. ભાજપની તોડફોડ નીતિના કારણે કર્ણાટકના બેંગ્લુરૂ ખાતે ઇગલટોન રિસોર્ટમાં છેલ્લા નવ દિવસથી રખાયેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ઇન્ડિગોની ફ્લાઇટ મારફતે સોમવારે સવારે ૪-૪૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી ૫-૪૦ મિનિટે તમામ કોંગ્રેસી ધારાસભ્યોને સીધા જ આણંદ સ્થિત નિજાનંદ રિસોર્ટ ખાતે લઇ જવાયા હતા. એરપોર્ટ પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો, કોંગ્રેસના કાર્યકરો અને યુવા નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધારાસભ્યો ઉતરાણ કરે તે પહેલા જ પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીની બે બસ એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. ત્યારબાદ તેમને અમદાવાદથી આશરે ૭૭ કિલોમીટરના અંતરે સ્થિત આણંદના નિજાનંદ રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા. આવતીકાલે રાજ્યસભાની બેઠકની યોજાનાર ચૂંટણીના મતદાન સુધી તેમને ત્યાં જ રાખવામાં આવનાર છે. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ, સાગર રાયકા અને નરેશ રાવલની આગેવાનીમાં પક્ષના તમામ ધારાસભ્યોની સુરક્ષિત ઘરવાપસી કરાઇ હતી. હવે આવતીકાલે આણંદ રિસોર્ટથી ગાંધીનગર વિધાનસભા ગૃહ સુધી તમામ ધારાસભ્યોને સુરક્ષિત રીતે લઇ જવાની જવાબદારી કોંગ્રેસના યુવા નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલને સોંપાઇ હતી. આણંદ રિસોર્ટ પર પહોંચ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોને મીડિયા પર્સન સહિત બહારના તમામ લોકોના સંપર્કથી દૂર રખાયા હતા. વળી, રાજ્યસભાની આવતીકાલની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બચ્યા હોઇ ભાજપ દ્વારા છેલ્લી ઘડીયે કોઇપણ ગંદી ચાલ ચાલી પોતાના ધારાસભ્યોને તોડે નહી ંતે માટે કોંગ્રેસે તેની એક નવી વ્યૂહરચનાના ભાગરૂપે યુથ કોંગ્રેસના ૫૦૦થી વધુ કાર્યકરોને ધારાસભ્યોની સુરક્ષા અને વોચ માટે તૈનાત કરી દીધા હતા. કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકરો રિસોર્ટ ખાતે અને રિસોર્ટની આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખતા નજરે પડતા હતા.
કોંગ્રેસે રિસોર્ટની અંદર ધારાસભ્યોની સાથે પોલીસ સુરક્ષાનો ઈન્કાર કર્યો
અમદાવાદ,તા. ૭
કોંગ્રેસના ધારાસભ્યોની સુરક્ષા માટે આજે ગુજરાત પોલીસ તંત્ર તરફથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટથી આણંદ રિસોર્ટ સુધી અને ત્યારબાદ રિસોર્ટ ખાતે અને તેની ફરતે સુરક્ષા જવાનોનું લોખંડી અભેદ્ય કવચ ખડકી દેવાયું હતું. એરપોર્ટ પરથી કોંગ્રેસના ધારાસભ્યોની લક્ઝરી બસની આગળ પાછળ અને સાઇડમાં પોલીસનો વિશાળ કોન્વોય અને કાફલો સતત તૈનાત રહ્યો હતો. કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોની સુરક્ષા માટે ૧૦૦ જેટલા સશસ્ત્ર જવાનો, પીએસઆઈ, પીઆઇ, એસીપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ખડેપગે તૈનાત કરાયો હતો. દરમ્યાન આણંદ રિસોર્ટ ખાતે પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોની સાથે પોલીસ સુરક્ષાનો કોંગ્રેસે સાફ ઇન્કાર કરી દીધો હતો. કોંગ્રેસે ધારાસભ્યોની સાથે કોઇપણ પોલીસ જવાન કે સુરક્ષા જવાન ના રહે તે માટે સ્પષ્ટ માગણી કરી હતી. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, રિસોર્ટની બહાર ભલે સુરક્ષાનો કાફલો તૈનાત કરાય પરંતુ અમારા ધારાસભ્યની સાથે કોઇ સુરક્ષા જવાનની જરૂર નથી. કોંગ્રેસની માગણી મુજબ, રિસોર્ટની બહાર અને ફરતે સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા.
Recent Comments