અમદાવાદ, તા.૨૨
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસની ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ તેમાં થયેલી ચર્ચા વિચારણા, સમીક્ષા અને મનોમંથનની સ્થિતિ અંગે રાહુલ ગાંધી પોતે જાતમાહિતી મેળવશે અને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યની રણનીતિ સંદર્ભે જરૂરી સૂચના પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપશે. રાહુલ ગાંધી આવતીકાલે તેમની મુલાકાત દરમ્યાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ખાસ સંદેશો અને પ્રવચન આપશે. એટલું જ નહી, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષ બાદ કોંગ્રેસનો જોરદાર અને ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પક્ષના આગેવાનોથી માંડી પાયાના કાર્યકરોની પણ રાહુલ ગાંધી પ્રશંસા કરે તેવી પૂરી શકયતા છે. તો, આ ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને શુભેચ્છા અભિનંદન પણ પાઠવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સવારે ૧૦ કલાકે અમદાવાદ બાદ સવારે ૧૧-૩૦થી ૨-૦૦ વાગ્યા દરમ્યાન ઉત્તર ગુજરતા અને મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને મળશે, એ પછી બપોરે ૨-૦૦ વાગ્યે કચ્છ-સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓને મળશે, બપોરે ૩-૦૦ વાગ્યે દક્ષિણ ગુજરાતના નેતાઓની સાથે મુલાકાત કરીને સાંજે ૪-૦૦ વાગ્યે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની સાથે ખાસ બેઠક યોજશે અને તેમને સંબોધન કરશે. કોંગ્રેસ ત્રિ-દિવસીય ચિંતન શિબિર આજે પૂરી થઈ છે ત્યારે વિવિધ પ્રાંતમાંથી મળેલ હારના કારણો અંગેનો રિપોર્ટ આવતીકાલે રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમજ રાહુલ ગાંધી પ્રદેશ નેતાઓ સાથે ચૂંટણીના પરિણામ અને હવે પછીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરશે. તેમજ રાહુલ ગાંધી પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓને ર૦૧૯ની ચૂંટણી તૈયારમાં લાગી જવા સુચન કરે તેવી પણ શક્યતા છે. રાહુલ ગાંધી વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યોને શુભેચ્છા-અભિનંદન પણ પાઠવશે. ત્યારબાદ મોડી સાંજે દિલ્હી જવા રવાના થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સમગ્ર પરિસ્થિતિ અને પરિણામોની સમીક્ષા અને મનોમંથન માટે કોંગ્રેસની યોજાયેલી ચિંતન શિબિરમાં રાજયના વિવિધ જિલ્લાઓના કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો અને પદાધિકારીઓએ ઇવીએમમાં બ્લુટુથ અને વાઇફાઇ કનેકટ, કેટલાક ઇવીએમના સીલ તૂટેલા હોવા સહિત તેમાં ચેડા થયાની દહેશત વ્યકત કરી હતી, તો કેટલાક આગેવાનોએ અમુક બેઠકો પર ખોટા ઉમેદવારો પસંદ કરાયા હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તો, સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસને મળેલી ૩૦ જેટલી બેઠકોની સફળતામાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ હાર્દિક પટેલનો પણ મહત્વનો ફાળો હોઇ હાર્દિક ફેકટરની પ્રશંસા કરી હતી. ચિંતનશિબિરમાં રજૂ થયેલા અભિપ્રાય, મંતવ્યો, સૂચન અને ફીડબેકના આધારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરીને તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવશે. હવે આવતીકાલે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોઇ ચિંતન શિબિરની વિગતો તેમને જણાવવામાં આવશે. આ વેળાએ પાર્ટીના સાંસદ અહમદ પટેલ, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના પદાધિકારીઓએ ખાસ તૈયારીઓ કરી રાખી છે. તેવી માહિતી સૂત્રો પાસેથી સોપડી છે.