અમદાવાદ શહેર બંધના એલાનના દિવસે ટોળાને વિખેરી જવા સમજાવતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસ અગ્રણી જુનેદ શેખ.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
અમદાવાદ શહેરમાં ગત ગુરૂવારના રોજ બંધના એલાન દરમિયાન કેટલાક વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનો સંદર્ભે અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી, તો કેટલાક રાજકીય પક્ષના અગ્રણીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે શાહપુર કોંગ્રેસના નેતા જુનેદ શેખ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અત્રે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનરનેે રજૂઆત કરતા સમગ્ર બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ગત ગુરૂવારના રોજ બંધના એલાનને પગલે અમદાવાદ શહેરમાં સવારથી જ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. દુકાનો, ઓફિસો, લારી-ગલ્લા, પાથરણાવાળા સહિત નાના-મોટા તમામ ધંધાર્થીઓએ બંધમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા લાલ દરવાજા દીનબાઈ ટાવર ખાતે દેખાવ અને ધરણા યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન ટોળામાં સામેલ કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અંગેની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને કોંગ્રેસના અગ્રણી જૂનેદ શેખને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને બે હાથ જોડી લોકોને શાંતિ રાખવા અને અલ્લાહનો વાસ્તો આપી જતા રહેવા વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને જુનેદ શેખની વારંવારની વિનંતી બાદ ટોળું વિખેરાઈ ગયું હતું, તેમ છતાં બન્ને નેતાઓ લાંબા સમય સુધી ત્યાં રોકાયા હતા અને શાંતિ થયા બાદ જવા રવાના થયા હતા. આ અંગેની નોંધ ચારથી પાંચ ચેનલવાળાએ પણ લીધી હતી અને બંને નેતાઓની વિનંતીને વારંવાર તેમની ચેનલ પર દર્શાવી હતી. આમ છતાં રાજકીય રાગદ્વેષ રાખી પોલીસ દ્વારા જુનેદ શેખ સહિતના લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ટોળાને ઉશ્કેરવા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે પોલીસ દ્વારા કિન્નાખોરી રાખી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચેનલમાં પણ સ્પષ્ટ રીતે દેખાય છે કે, અમે લોકોને બે હાથ જોડી શાંતિ રાખવા અપીલ કરી હતી તેમ છતાં જુનેદ સામે ગુનો નોંધવાનુ કારણ એ છે કે, અમે લોકો શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા દારૂ-જુગાર અને નાર્કોટિક્સ સહિતની બદીઓ અને ગુનાખોરી અટકાવવા ઝુંબેશ શરૂ કરી હતી અને સ્થાનિક પીઆઈનો બદી ડામવામાં નિષ્ફળ રહેવા બદલ વિરોધ પણ કરતા હતા. આથી, પીઆઈ આ બંને નેતાઓ સામે રોષમાં હતા, તે દરમિયાન લાલ દરવાજા દીનબાઈ ટાવરની ઘટનાને રાજકીય સ્વરૂપ આપી પીઆઈએ રાગદ્વેષ રાખી બદ ઈરાદા સાથે ફરિયાદ દાખલ કરી છે. આથી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરવા ડીજીપી અને સીપીને રજૂઆત કરતા તેને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.