Ahmedabad

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો હવે ગમે તે ક્ષણે ભાજપમાં જોડાશે

અમદાવાદ,તા. ૧૦
ક્રોસ વોટીંગ કરી કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર ૧૪ ધારાસભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરવાના કોંગ્રેસપક્ષના નિર્ણય બાદ ગુજરાતના રાજકારણમાં વધુ એક નવુ ડેવલપમેન્ટ સર્જાવા જઇ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આ મામલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમના સહિત ૧૩ ધારાસભ્યો હવે ગમે તે ઘડીયે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. તેઓ ભાજપના કાર્યકર તરીકે ભાજપમાં જોડાશે. બાકી આગળ ભાજપના મોવડીમંડળે નક્કી કરવાનું છે. સત્તાવાર નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરીશું. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે એ સ્પષ્ટ કર્યું હતું કે, શંકરસિંહ મારા પિતા છે પરંતુ ભાજપમાં જોડાવાનો નિર્ણય અમારા ધારાસભ્યોનો વ્યકિતગત છે. ભાજપમાં જોડાવા મુદ્દે અમારા ધારાસભ્યોની બેઠક ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે યોજાઇ હતી અને લંબાણપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. હવે નજીકના ભવિષ્યમાં ગમે તે ઘડીયે આ અંગેનો નિર્ણય અમે જાહેર કરીશું. મહેન્દ્રસિંહે કોંગ્રેસની ટીકા કરતાં જણાવ્યું હતું કે, અમે ધારાસભ્યોએ અગાઉ કોંગ્રેસપક્ષને પક્ષના હિતની અને નીતિની વાત સમજાવી હતી અને રજૂઆત પણ કરી હતી પરંતુ અમારી રજૂઆત સાંભળવામાં ના આવી અને તેને નજરઅંદાજ કરવામાં આવી, તેથી અમારે આવો નિર્ણય કરવો પડયો. હાલમાં વાઘેલા છાવણીમાં પણ દુવિધાભરી સ્થિતિ છે.

બળવંતસિંહ રાજપૂત દિલ્હી ગયા

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના હારેલા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત દિલ્હી પહોંચી ગયા છે. કોંગ્રેસના જે બે બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતો રદ થયા છે તે મતો પાછા મેળવવા બળવંતસિંહ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવનાર છે. તેઓ જરૂરી તમામ દસ્તાવેજો, પુરાવા અને બ્રીફ લઇને દિલ્હી પહોંચ્યા છે. હવે ગમે તે ઘડીયે તેઓ સુપ્રીમકોર્ટમાં પિટિશન ફાઇલ કરશે.