અમદાવાદ, તા.૨
કર્ણાટકના બેંગ્લુરૂ ખાતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા છે તે ઇગલટોન રિસોર્ટમાં આજે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી, જેને પગલે કોંગ્રેસની છાવણીથી લઇ છેક રાજયસભા સુધી ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે ભાજપની તીખી આલોચના કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો જાણે કોઇ ગનેગાર કે આંતકીહોય તે પ્રકારે રિસોર્ટમાં ગનમેન ફરી રહ્યા હતા. ભાજપની આટલી ગંદી અને નિમ્નસ્તરની રાજનીતિને લઇ હવે અમને ડર સતાવી રહ્યો છે કે, અમારા ધારાસભ્યો તા.૮મીઓ ઓગસ્ટે ગુજરાત પહોંચશે કેવી રીતે. અમે નથી જાણતા કે અમારી સાથે શું થવાનું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે, અમે લોકશાહીની રક્ષા અને તેને બચાવવાના તમામ પ્રયાસો કરી છૂટીશું. શકિતસિંહ ગોહિલે ઇગલટન રિસોર્ટમાં આઇટીના અધિકારીઓએ જે પ્રકારે સીઆરપીએફના સશસ્ત્ર જવાનો અને ગનમેનને સાથે રાખી દરોડા પાડયા તેને ખુલ્લો પાડતો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને ભાજપ દ્વારા કયા પ્રકારે સત્તા અને કેન્દ્રીય એજન્સીઓનો દૂરપયોગ થઇ રહ્યો છે તેનો ચહેરો ખુલ્લો પાડયો હતો. તેમણે ઉમેર્યું કે, હવે અમને આ અંગે વાત કરતા પણ ડર લાગે છે ભાજપ ગમે તે હદે જઇ શકે છે. અમારા ધારાસભ્યોની સુરક્ષાને લઇને પણ ગંભીર સવાલ અને ચિંતા જન્મ્યા છે પરંતુ ભાજપની સત્તા મેળવવાની ભૂખ અને લાલચ પ્રજા સામે આજના ઘટનાક્રમ પરથી ઉજાગર થઇ ગયા છે. બીજીબાજુ, કોંગ્રેસના ધારાસભ્યોમાં ભાજપ દ્વારા આ પ્રકારના હીન કૃત્ય આચરાતાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી લઇ દિલ્હી હાઇકમાન્ડ સુધીના રાષ્ટ્રીય નેતાઓ પણ ભાજપની આ હરકતથી સમસમી ગયા છે. આજે રાજયસભામાં પણ તેના વરવા પ્રત્યાઘાત પડયા હતા. કોંગ્રેસના સાંસદોએ ભાજપને આડા હાથે લઇ નાંખ્યું હતું અને તેના આ કૃત્યને લોકશાહીની હત્યા સમાન ગણાવ્યું હતું.