ભૂજ, તા.૧૦
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળીનો જથ્થો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હતો તે ગાંધીધામ તાલુકાના કિડાણા ગામની સીમમાં આવેલ ગોદામમાં થોડા સમય અગાઉ આગ લાગી હતી. આ ઘટનાની તપાસમાં હજુ કોઈ જ પ્રગતિ થઈ નથી ત્યારે તા.૧૧/૮ના આ સ્થળ ઉપર જ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે.
કચ્છ જિલ્લા કોંગ્રેસના હાલમાં જ નિમાયેલ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા.૧૧/૮ના રોજ સવારે ૯.૩૦થી સાંજે ૬ વાગ્યા સુધી મગફળી ગોદામ ખાતે જ ધરણા થશે. જેમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહી ધરણામાં ભાગ લેશે. મગફળી કાંડ હાલ ચર્ચામાં છે ત્યારે અહીંના ગોદામમાં આગ લાગ્યા બાદ કોંગ્રેસ દ્વારા યોજાઈ રહેલા ધરણાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.