(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી પરંતુ ૭૭ ધારાસભ્યો પૈકી ૬૬ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ૧૧ ગેરહાજર ધારાસભ્યો પૈકી ૮ ધારાસભ્યો સામાજિક અને બિમારી સહિતના વિવિધ કારણસર ગેરહાજર રહ્યા હતા જ્યારે ત્રણ ધારાસભ્યો વગર મંજૂરીએ ગેરહાજર રહેતા ભારે વિવાદ ઉભો થયો છે. ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ઉમેદવારોની પસંદગી, બુથ મેનેજમેન્ટ સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાસ હાજર રહેલા તમામ ધારાસભ્યોને ખાસ તાકીદ કરવામાં આવી હતી પરંતુ ૭૭ પૈકી ૧૧ ધારાસભ્યોએ સામાજિક કામ તથા બિમારી સબબ પોતે આવી નહીં શકે તેવી અગાઉથી જાણ કરી દીધી હતી પરંતુ ત્રણ ધારાસભ્યો એવા હતા. જેઓએ કોઈની પણ પરવા કર્યા વિના મંજૂરી લીધા વિના જ મિટીંગમાં જવાનું ટાળ્યું હતું. આમ આટલી મહત્ત્વની બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસનો હજી જૂથવાદ છે. જે સાબિત કરે છે.
લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા મળેલી આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ધારાસભ્યોને લોકસભા બેઠકની જવાબદારી સોંપી હતી. રાજીવ સાતવે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં તમામ ર૬ બેઠકો જીતવાનો પ્રયત્ન કરશે. જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે. આગામી દિવસોમાં ઓટલા પરિષદ, લોકદરબાર જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પરિવર્તન સંકલ્પયાત્રા યોજાશે. કોંગ્રેસ ચૂંટણીમાં ભાજપને ઘેરવા તમામ મોરચે પ્રયત્ન કરશે. ખાસ કરીને ખેડૂતો, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પ્રજા સમક્ષ લઈ જશે.

દરેક ધારાસભ્યોને બે વિધાનસભા બેઠકની
જવાબદારી સોંપવામાં આવશે

આગામી લોકસભાની ચૂંટણી માટે દરેક ધારાસભ્યોને બે વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. ગત કારોબારીમાં અહમદ પટેલે દરેક ધારાસભ્યો અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને કાઉન્સીલરોને જવાબદારી નિભાવવા આદેશ કર્યો હતો. ધારાસભ્યોને તેમણે વિધાનસભામાં મેળવેલા મતોથી વધારે મત અપાવવા ખાસ તાકીદ કરી હતી અને જે સભ્ય આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેશે તેઓને ભોગવવું પડશે. આગામી ચૂંટણીઓમાં આવા સભ્યોની ટીકીટ કાપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.