(એજન્સી) તા.૩૦
બંગાળમાં એક મહત્ત્વના રાજકીય ઘટનાક્રમ અંતર્ગત અહીંના કોંગ્રેસ નેતાઓએ સોનિયા ગાંધી સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની માગણી કરી હતી અને આ ગઠબંધન ફકત ર૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી નહીં પરંતુ ર૦ર૮ સુધી ચાલુ રાખવાની માગણી પણ કરી હતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે, બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને આ બેઠક વિશે કોઈ જાણકારી ન હતી. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઓલ ઈન્ડિયા વર્કિંગ કમિટીના સચિવ અને ફરક્કાના ધારાસભ્ય મોઈનુલ હકે જણાવ્યું હતું કે, માલદાથી અમારા સાંસદ અબુ હાસીમખાને શુક્રવારે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધનનો પ્રસ્તાવ મૂકયો હતો. હકે કહ્યું હતું કે, અમે ફકત સંસદીય ચૂંટણી માટે નહીં પરંતુ ર૦ર૮ સુધીની બધી ચૂંટણીઓ માટે ગઠબંધન કરવા ઈચ્છીએ છીએ. ભાજપને બંગાળમાં રોકવાનો ફકત આ એક જ ઉપાય છે જ્યારે હકને પૂછવામાં આવ્યું કે, આ પ્રસ્તાવ વિશે બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને શા માટે જાણ કરવામાં ન આવી ત્યારે તેમણે કહ્યું આ ફકત એક પ્રસ્તાવ છે અમે નિર્ણય કરવાવાળા લોકો નથી. અંતિમ નિર્ણય રાહુલ અને સોનિયા ગાંધી લેશે. જ્યારે આ બાબત વિશે ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ દિલ્હી જઈ વરિષ્ઠ નેતાઓને મળી શકે છે. અમારા પક્ષની આ જ સુંદરતા છે. જો કોઈ સોનિયા ગાંધી સાથે કોઈક બાબત વિશે ચર્ચા કરવા માંગતો હોય તો તેમાં શું સમસ્યા છે ? આવું ફરજિયાત નથી કે બંગાળના નેતાઓ કોઈપણ બાબત વિશે સોનિયા ગાંધી સાથે ચર્ચા કરતાં પહેલાં મને જાણ કરે.